અમદાવાદમાં આતંકવાદી હુમલાની દહેશતના પગલે હાઈએલર્ટ
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: આગામી ર૩મી તારીખે ગુજરાતના સૌથી મોટા પૈકી એક એવી રથયાત્રાનુંં આયોજન થવા જઈ રહ્યુ છે. ત્યારે આતંકવાદી હુમલાની દહેશતને પગલે અમદાવાદ શહેરના પોલીસ કમિશ્નર દ્વારા તંત્રને સાબદુ કરવામાં આવ્યુ છે. જ્યારે જાહેર જનતા માટે પણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. અગાઉ પણ ગુજરાત રાજ્યમાં આતંકવાદીઓ તેમના કૃત્યને અંજામ આપી ચુક્યા હોવાથી વધુ એક વખત હુમલાની દહેશતના પગલે પોલીસ કમિશ્નર દ્વારા સાવચેતીના સુચના અને કેટલાંક કડક આદેશો પણ આપવામાં આવ્યા છે.
અમદાવાદ શહેરમાં અગાઉ સાયકલ બોંમ્બ તથા ટીફીન બોંબ દ્વારા આતંકવાદીઓ પોતાના નાપાક ઈરાદા પાર પાડવામાં સફળ રહ્યા હતા. તાજેતરમાં તંત્રને ઈનપુટ મળતા આતંકવાદી હુમલો થવાની દહેશતના પગલે અમદાવાદ શહેર પોલીસને સક્રિય કરવામાં આવી છે. મોટા હુમલા થવાની આશંકાએ શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા દ્વારા કેટલાંક જાહેરનામા બહાર પાડવામાં આવ્યા છે.
જે મુજબ ભૂતકાળમાં બનેલી ઘટનાઓમાં અસામાજીક તત્ત્વોએ સાયકલોનો ઉપયોગ કર્યો હોવાથી શહેરમાં આવેલા સાયકલોના વેપારીઓને ખરિદી માટે આવતા ગ્રાહકોની સંપૂર્ણ માહિતી રાખવાની સુચના આપવામાં આવી છે. વાહન ખરીદનારની ઓળખ પત્રની ઝેરોશ કોપી તથા અન્ય વિગતો લઈને બીલ આપવાનું ફરજીયાત કરવામાં આવ્યુ છે. ૬૦ દિવસ માટે અમલમાં રહેનાર આ જાહરેનામાનો ભંગ થતાં કલમ ૧૮૮ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
અગાઉ આતંકવાદીઓએ નાગરીકોની અવરજવર વધુ રહેતી હોય એવા સ્થળો જેમ કે રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન ઉપરાંત પ્રવાસન સ્થળોને નિશાને લીધા હતા. જેને ધ્યાનમાં રાખીને પોલીસ કમિશ્નરે થોડા સમય અગાઉ પણ જાહેરનામું બહાર પાડ્યુ હતુ. જેમાં આંગડીયા પેઢી, જ્વેલર્સ શોપ, ગેસ્ટ હાઉસ, ધર્મ શાળા જેવા સ્થળોએ ફરજીયાત દરેક સ્થળ કવર કરે અને રાત્રે પણ સ્પષ્ટ દ્રષ્યો દેખાય તેવા નાઈટ વિઝન સીસીટીવી કેમેરા લગાવવાના આદેશ આપ્યા હતા.
ઉપરાંત આ સીસીટીવી કેમેરાના ફૂટેજ કમસેકમ ૧પ દિવસ સુધી સાચવવાની પણ સુચના આપી છે. આ જાહેરનામામાં થીયેટર્સ તથા શોપિંગ મોલને પણ આવરી લેવાયા છે. આ ઉપરાંત હોટેલ, ગેસ્ટ હાઉસ કે ધર્મશાળામાં રોકાણ કરનાર વ્યક્તિઓના ઓળખ પત્ર, કોન્ટેક્ટ નંબર તથા તેમના રોકાણના કારણની વિગતો નોંધવાની પણ સ્પષ્ટ સુચના આપવામાં આવી છે.
પોલીસ તંત્રને સુચના મળતા જ સ્થાનિક પોલીસ ઉપરાંત અન્ય એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. અને શહેરના અસામાજીક ત¥વો ઉપરાંત શકમંદ શખ્સો પર પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત રથયાત્રાના તહેવારને પણ ધ્યાનમાં રાખીને ગેરકાયદેસર રીતે હથિયાર ધારણ કરનાર શખ્સો સામે પણ કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત પોલીસે રવિવારે કાર્યવાહી કરીને દાણીલીમડા પોલીસની હદમાંથી કેટલાંક ઈસમોને રિવોલ્વર, બંદુક તથા જીવતા કારતુસ સાથે પણ ઝડપ્યા હોવાનું જાણવા મળ્યુ છે.