જિતેન્દ્ર દિક્ષિતનું પુસ્તક 35 ડેઝઃ હાઉ પોલિટિક્સ ઇન મહારાષ્ટ્ર ચેન્જ્ડ ફોરેવર
શ્રી જિતેન્દ્ર દિક્ષિત એબીપી ન્યૂઝના પશ્ચિમ ભારતના એડિટર છે અને “35 ડેઝઃ હાઉ પોલિટિક્સ ઇન મહારાષ્ટ્ર ચેન્જ્ડ ફોરેવર” નામનાં પુસ્તકના લેખક છે. આ પુસ્તકમાં પ્રાદેશિક રાજકારણના રોમાંચક અને સતત વળાંક લેતી રાજકીય ઘટનાઓ વિશે વાત કરવામાં આવી છે, જે વર્ષ 2019માં યોજાયેલી મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીની જાહેરાતથી ચૂંટણીના પરિણામો તથા રાજ્યમાં શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકારની રચના સુધીના ઘટનાક્રમનો સ્પષ્ટ અને રોમાંચક ચિતાર રજૂ કરે છે.
એમાં વાચકો માટે 35 દિવસના સમયગાળા દરમિયાન ઘટેલી રાજકીય ઘટનાઓ અને એનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે, જે આખા દેશમાં રસપ્રદ બન્યું હતું અને લોકો ટેલીવિઝન સ્ક્રીન પર ચીપકી ગયા હતા, જેની પરાકાષ્ઠા શિવસેનાના નેતા શ્રી ઉદ્ધવ ઠાકરેના શપથગ્રહણ સાથે આવી હતી. ઠાકરેએ 28 નવેમ્બર, 2019ના રોજ મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. વળી આ પ્રથમ ઘટના હતી, જેમાં ઠાકરે પરિવારના કોઈ સભ્યએ પહેલી વાર રાજકીય હોદ્દો ધારણ કર્યો હતો.
આ પુસ્તકમાં 35 દિવસ દરમિયાન રાજકીય પંડિતોને ચોંકાવી દે એવી ઘટનાઓ રજૂ કરવામાં આવી છે. એમાં રાજકીય પક્ષોએ અનપેક્ષિત અને અકળ પગલાં કેવી રીતે અને શા માટે લીધા હતા એ વિશે જણાવવામાં આવ્યું છે, જેમાંથી મહારાષ્ટ્રમાં સ્થિર સરકારની રચનાનો માર્ગ મોકળો થયો હતો.
આ ખરાં અર્થમાં રસપ્રદ વિવરણ છે, જે મિત્રો કેવી રીતે હરિફો બની ગયા, હરિફો કેવી રીતે મિત્રો બની ગયા, વિચારધારાઓ કેવી રીતે અપ્રસ્તુત બની ગઈ હતી અને સત્તાનો લાભ સર્વોપરી બની ગયો હતો. પુસ્તકમાં રાજ્યના તમામ રાજકીય પક્ષો અને રાજકારણીઓનો સ્પષ્ટ ચિતાર આપ્યો છે, જેણે મહારાષ્ટ્રના રાજકારણને હંમેશા માટે બદલી નાંખ્યું છે.