પાટણ, સિદ્ધપુર અને સાંતલપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં પ્રતિબંધ ફરમાવતાં જિલ્લા મેજીસ્ટ્રેટ
મેડિકલ ઈમરજન્સી અને આવશ્યક ચીજ વસ્તુઓ કે સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય જાહેર રોડ પર ફરવા કે અવર-જવર પર પ્રતિબંધ
માહિતી બ્યુરો, પાટણ: કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સમયાંતરે પ્રસિદ્ધ કરવામાં આવેલા જાહેરનામા સાથે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા કન્ટેનમેન્ટ ઝોનની ગાઈડલાઈન તથા ક્લસ્ટર કન્ટેનમેન્ટ કમિટીન બેઠકમાં થયેલા ઠરાવ મુજબ પાટણ જિલ્લાના ત્રણ તાલુકાઓના વિવિધ વિસ્તારોમાં વધારાના પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૩) હેઠળ મળેલ સત્તાની રૂએ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી આનંદ પટેલ દ્વારા પાટણ શહેરના પીંઢારીયા વાડો, ગુમડા મસ્જીદ પાસે ભુરીયાની પોળ, હાજીમોદીની ખડકી, ખેતરવસી વાડી મદરેસાની સામે નાની ગોલવાડ, મીરા દરવાજા પાસેનો અનુસુચિત જાતિ વાસ, ચાચરીયા ચોક પાસે વાયુ દેવતાની પોળ, ટી.બી.ત્રણ રસ્તા પાસેની મારૂતિનગર સોસાયટી ૧ ના ઘર નં.૧૦ અને ૧૧, ટી.બી.ત્રણ રસ્તા પાસેના શ્રીનાથજી ડુપલેક્ષના ઘર નં. ૪ થી ૭, ગોપાલનગરથી લીલીવાડી રોડ પરની વર્ધમાન સોસાયટીના ઘર નં. ૩ થી ૬, દુખવાડા (ગાંધીપરા)ના સોલંકી દિનેશભાઈ નાગરભાઈના ઘરથી શ્રીમાળી નરેશભાઈ નાગરભાઈના ઘર સુધીનો વિસ્તાર, સિદ્ધરાજ નગરની રાજનગર સોસાયટીના ઘર નં.૧ થી ૨૪, જુના ગંજબજારની ગોરસ્થાનની ખડકી, પાટણ તાલુકાના રણુંજ ગામનો ઠાકોરવાસ (ખાડીયા પરૂ), ચંદ્રુમણા ગામનો પીંપળાવાસનો વિસ્તાર અને સંડેર ગામનો ગોરવાળો માઢ તેમજ ડેલાવાળો માઢનો વિસ્તાર ઉપરાંત સિદ્ધપુર તાલુકાના મુડાણા ગામનો મોમિનવાસ વિસ્તાર તથા સાંતલપુર તાલુકાના વારાહી ગામનો કડીસરી તળાવનો (પારકર પુરા) વિસ્તારમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા નિર્દિષ્ટ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં વધારાના કૃત્યો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
જે મુજબ ઉપરોક્ત વિસ્તારોમાં મેડિકલ ઈમરજન્સી તથા આવશ્યક ચીજ વસ્તુઓ અને સેવાઓનો પુરવઠો જાળવી રાખવાના હેતુ સિવાય કોઈપણ વ્યક્તિને જાહેર રોડ ઉપર પસાર થવા અને અવર-જવર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સરકારી ફરજ અથવા કામગીરીમાં હોય તેમજ હોમગાર્ડ કે અન્ય સરકારી કે અર્ધ સરકારી એજન્સી જેઓ કાયદેસરની ફરજ ઉપર હોય તેઓને તથા સરકાર માન્ય વાજબી ભાવની દુકાનો તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના આદેશો હેઠળ જેઓને મુક્તિ મળવા પાત્ર છે તેવા ઈસમોને તથા અધિકૃત અધિકારી દ્વારા ઈસ્યુ કરવામાં આવેલ પાસ ધારકોને આ હુકમ લાગુ પડશે નહીં.
આ જાહેરનામું તા.૨૬ જૂન સુધી અમલમાં રહેશે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ-૧૮૬૦ની કલમ-૧૮૮ હેઠળ તથા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ મુજબ શિક્ષાને પાત્ર થશે. કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે લોકોની વધુ અવર-જવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા સારૂ પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વધારાના પ્રતિબંધ ફરમાવવામાં આવ્યા છે.