નકલી RTO અધિકારી બનીને ફરતા ત્રણ ઝડપાયા
લોકડાઉનમાં પોલીસ ન રોકે તે માટે આ રીતે ફરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છેઃપોલીસની ગુનો નોંધી વધુ તપાસ
અમદાવાદ, કોમ્બીંગ નાઈટ દરમિયાન નકલી આરટીઓ અધિકારી બનીને ફરતા ત્રણ લોકોની સોલા પોલીસે ધરપકડ કરી છે.લોકડાઉનમાં ફરવા માટે આ ત્રણમાંથી એક શખસ પી કેપ અને પોલીસનો દંડો સાથે રાખીને ફરતો હતો. અન્ય બે લોકો માત્ર તેની સાથે જ નિકળ્યાં હતા. પોલીસે તે લોકોની પણ મદદગારી બદલ ધરપકડ કરી છે. લોકડાઉનમાં પોલીસ ન રોકે તે માટે આ રીતે ફરતા હોવાનું સામે આવ્યું છે. સોલા પોલીસની ટિમ કોમ્બીંગ નાઈટ દરમિયાન પોતાના વિસ્તારમાં હતી. તે સમયે ચાંદલોડિયા પાસેથી ડેશબોર્ડ પર દંડો રાખેલી એક કાર નીકળી હતી.
સોલા પોલીસે આ કાર રોકી તેમાં બેઠેલા ત્રણ લોકોની તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી અધિકારી પહેરે તેવી પી કેપ, દંડો મળી આવ્યો હતો. કારમાંથી ઘાટલોડિયામાં રહેતા પિંકેશ પટેલની પોલીસે ધરપકડ કરી હતી. તેની સાથે કારમાં ફરવા નીકળેલા હરેશ પટેલ અને બળવંતભાઈ પટેલની પણ પોલીસે ધરપકડ કરી હતી.
નકલી અધિકારી બનનાર પિંકેશનો આ આઈડિયા હોવાનું સામે આવ્યું છે.લોકડાઉનમાં ફરવા નીકળતા લોકોની પોલીસ ધરપકડ કરતી હોવાથી તેણે આ આઈડિયા અપનાવ્યો હતો. આ બાબતે વધુ તપાસ કરવામાં આવશે અને ટોપી ક્યાં બનાવડાવી તે બાબતે તપાસ કરાશે તેવું સોલા પીઆઇ જે પી જાડેજાએ જણાવ્યું હતું. પોલીસનું કહેવું છે કે આરોપીએ જે કેપ સાથે રાખી હતી તેની પર સત્યમેવ જયતે લખ્યું હતું અને જીએમડીવી લખ્યું હતું. આ કેપ પરથી આરોપી પોતે આરટીઓ અધિકારી બનીને ફરતો હોવાનું જાણવા મળ્યું છે.