શહેરોના બજારોમાં ધમધમાટ, શ્રમિકોને લઈને ભારે કકળાટ

File
માલ સામાનની હેરાફેરીથી લઈને અન્ય કામ માટે પણ મજૂરો મળતા ન હોવાથી ધંધાર્થીઓની મુશ્કેલીઓ વધી
અમદાવાદ, લગભગ ૭૦ દિવસ સુધી બંધ રહેલા તમામ બજાર હવે ખુલી ગયા છે. વેપારીઓએ પોતાની પેઢીઓ શરૂ કરી નિયમિત પેઢીએ બેસવાની શરૂઆત પણ કરી દીધી છે. ત્યારે તમામ બજાર અને માર્કેટના વેપારીઓની ફરિયાદ છે કે માલ સામાન ઉપાડવા તથા ચડાવવા ઉતારવા માટે હમાલ મળતા નથી જેને કારણે ખાસ્સી પરેશાની થઇ રહી છે. લોક ડાઉનમાં બેકાર બેસી રહેલા પરપ્રાંતીય શ્રમજીવીઓ વતન ચાલ્યા જતા શ્રમિકોની અછત ઊભી થઈ છે. કોરોનાની મહામારી વચ્ચે સરકારે લોક ડાઉન જાહેર કરી દેતા આખા દેશમાં લગભગ ૭૦ દિવસ સુધી વેપાર-ધંધા ઉદ્યોગો બંધ રહ્યા હતા.
આ સમયે બેકાર બેસી રહેલા શ્રમજીવીઓએ વતનની વાટ પકડી લીધી છે. જેને કારણે ગુજરાતમાંથી લાખો યુવકો પોતાના વતન પહોંચી ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે ધીરે ધીરે કાપડ બજાર, અનાજ બજાર, કરીયાણા બજાર ખુલી રહ્યા છે અને રાબેતા મુજબ ચાલવા લાગ્યા છે. હવે જ્યારે અનાજ બજારમાં કોઈ વેપારી ખરીદી કરવા આવે અને અનાજની ગુણો કે કોથળા વાહનમાં ચડાવવાના હોય ત્યારે તેના માટે હમાલ મળતા નથી. આ પરિસ્થિતિમાં વેપારીઓ પરેશાન થઇ ગયા છે હવે જો કોઈ છૂટક માલ હોય તો તે પરિસ્થિતિને લઈને વધુ ભાવ માગતા હોવાની પણ વેપારીઓની ફરિયાદ છે.
માત્ર અનાજ બજાર જ નહીં પરંતુ કાપડ બજાર અને કરિયાણા બજારમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જેને કારણે હવે જો વેચનારા વેપારીને ગરજ હોય તો તે હમાલની વ્યવસ્થા કરે અને જો ખરીદનારને ગરજ હોય તો તે હમાલની વ્યવસ્થા કરે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. બીજી તરફ વેપારીઓ જણાવી રહ્યા છે કે જે શ્રમજીવીઓ પોત પોતાના વતન પહોંચી ગયા છે ત્યાં હવે ચોમાસું શરૂ થઈ જતાં તેઓ તાકીદે પરત આવે તેવી સંભાવના પણ ઓછી છે. હવે તેઓ વરસાદની સિઝનમાં ખેતીનું કામકાજ કર્યા બાદ જ દિવાળીએ પરત અમદાવાદમાં આવે તેવી સંભાવના વ્યક્ત કરાઈ રહી છે.