કોરોના લીધે આવેલી આર્થિક તંગદિલી ક્રિકેટને પણ નડી
કોરોના મંદીની અસરઃ ઓસી. બોર્ડ સીઈઓને પણ છૂટા કરશે
સિડની, કોરોના વાયરસને કારણે આવેલી આર્થિક તંગદિલી ક્રિકેટને પણ નડી રહી છે. હાલમાં વિશ્વભરમાં મંદીનો માહોલ છે ત્યારે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ પણ આર્થિક તંગી અનુભવી રહ્યું છે અને આ સંજોગોમાં તેણે પોતાના સીઇઓ કેવિન રોબટ્ર્સને છૂટા કરવાનો નિર્ણય લીધો છે.
અહેવાલ મુજબ આ સપ્તાહમાં જ રોબટ્ર્સની વિદાય અંગે જાહેરાત કરાશે. ૪૭ વર્ષીય કેવિન રોબર્ટસનો કરાર ૨૦૨૧ના અંત સુધીનો હતો પરંતુ એમ મનાય છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના માંધાતાઓ તેમને રાખવા માગતા નથી. રોબર્ટસે ૨૦ મહિના અગાઉ આ કામગીરીનો પ્રારંભ કર્યો હતો. તેમણે જેમ્સ સઘરલેન્ડના સ્થાને હવાલો સંભાળ્યો હતો. સધરલેન્ડ ૧૭ વર્ષ સુધી આ હોદ્દા પર રહ્યા હતા.
૨૦૧૮માં સાઉથ આફ્રિકામાં ઓસ્ટ્રેલિયન ટીમ બોલ ટેમ્પરિંગમાં સંડોવાઈ અને તેના બે સ્ટાર ખેલાડી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો ત્યારે સધરલેન્ડ હોદ્દા પર હતા. હવે રોબર્ટસને હાંકી કઢાયા બાદ ટૂંક સમયમાં જ વચગાળાના અધિકારની વરણી કરાશે. આ વર્ષે કોરોના વાયરસને કારણે આર્થિક મંદી આવી ગઈ તેવામાં ઓસ્ટ્રેલિયન બોર્ડને ઘણું સહન કરવું પડ્યું છે. તેઓ આ વર્ષે ટી૨૦ વર્લ્ડ કપને બદલે ભારત સામેની સિરીઝ યોજવા માગે છે કેમ કે તેનાથી તેમને લાભ થઈ શકે છે.