અમદાવાદના પશ્ચિમઝોનમાં કોરોના વિસ્ફોટ : 24 કલાકમાં 81 કેસ નોંધાયા
લોકડાઉન 3.0 સુધી નોંધાયેલ કેસ કરતા વધુ કેસ અનલોક-1માં કન્ફર્મ થયા
(દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ, શહેરમાં અનલોક 1 દરમ્યાન કોરોનાના કેસ સતત વધી રહયા છે. શહેરમાં દૈનિક સરેરાશ 293 જેટલા નવા કેસ બહાર આવી રહ્યા છે. જૂન મહિનામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ચાર હજારને પાર કરી ગઈ છે. શહેરના ઉત્તર અને પૂર્વઝોન કોરોનાના નવા હોટસ્પોટ બન્યા છે. સાથે સાથે પશ્ચિમ ઝોનમાં પણ કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. સોમવારે પશ્ચિમઝોનમાં કોરોના વિસ્ફોટ થયો હતો તેમજ માત્ર 24 કલાકમાં નવા 81 કેસ નોંધાયા હતા.
અમદાવાદ શહેરને અનલોક1 ભારે પડી રહ્યું છે. અનલોક1 જાહેર થયા બાદ માત્ર 15 દિવસમાં જ કોરોનાના 4395 નવા કેસ નોંધાયા છે. જયારે 350 દરદીના મૃત્યુ થયા છે સોમવાર 15 જૂને શહેરમાં નવા 293 કેસ કન્ફર્મ થયા હતા. જેમાં સૌથી વધુ 81 કેસ પશ્ચિમઝોનમાં નોંધાયા હતા. પશ્ચિમઝોનમાં વાડજ, સાબરમતી, રાણીપ, પાલડી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કેસ બહાર આવી રહ્યા છે.
જૂન મહિનાના 15 દિવસ દરમ્યાન પશ્ચિમઝોનમાં કોરોનાના 831 કેસ નોંધાયા છે. જે ચાલુ માસમાં નોંધાયેલ કેસ ના 20 ટકા થાય છે.સોમવારે 81 કેસ નોંધાયા બાદ અનલોક1માં કેસની દ્રષ્ટિએ પશ્ચિમઝોન બીજા નંબરે આવી ગયો છે. જયારે હોટસ્પોટ માનવામાં આવતા પૂર્વઝોનમાં 15 જૂન સુધી 818 કેસ નોંધાયા છે. ઉતરઝોનમાં સૌથી વધુ 886 કેસ પોઝીટીવ જાહેર થયા છે. જયારે પ્રથમ બે લોકડાઉન દરમ્યાન હોટસ્પોટ બનેલા મધ્યઝોનમાં 502 અને દક્ષિણઝોનમાં 646 કેસ નોંધાયા છે.
રાજ્ય સરકારે લોકડાઉન 4.0 માં ઘણી બધી છુટછાટ આપી હતી. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ધંધા- રોજગાર શરૂ કરવા માટે પરવાનગી આપી હતી જયારે પૂર્વમાં લોકડાઉનનો ચુસ્ત અમલ કર્યો હતો. 19મી મે એ પશ્ચિમના વિસ્તારોમાં છૂટછાટ આપી તે સમયે પશ્ચિમઝોનમાં કોરોનાના 877 કેસ નોંધાયા હતા. જયારે ઉત્તરપશ્ચિમ ઝોનમાં 287 અને દક્ષિણપશ્ચિમ ઝોનમાં 317 કેસ કન્ફર્મ થયા હતા.આ કેસ લગભગ 60 દિવસમાં નોંધાયા હતા.
જેની સામે અનલોક1 ના 15 દિવસમાં જ પશ્ચિમઝોનમાં 831 કેસ જાહેર થયા છે. જયારે ઉતરપશ્ચિમ ઝોનમાં 366 અને દક્ષિણપશ્ચિમ ઝોનમાં 336 કેસ બહાર આવ્યા છે.આમ, પશ્ચિમ વિસ્તારમાં લોકડાઉન 3.0 સુધી નોંધાયેલ કેસ કરતા વધુ કેસ અનલોક1માં નોંધાયા છે.તેવી જ રીતે, લોકડાઉન 3.0 સુધી પશ્ચિમઝોનમાં 45, ઉતરપશ્ચિમ ઝોનમાં 8 અને દક્ષિણપશ્ચિમ ઝોનમાં 12 કોરોના દર્દીના મૃત્યુ થયા હતા. જ્યારે અનલોક1ના 15 દિવસમાં જ પશ્ચિમઝોનમાં 52, ઉતરપશ્ચિમ ઝોનમાં 13 અને દક્ષિણપશ્ચિમ ઝોનમાં 21 દર્દીના મરણ નોંધાયા છે.
લોકડાઉન 4.0 અને ત્યારબાદ અનલોક1 માં આપવામાં આવેલી છૂટછાટના માઠા પરિણામ પશ્ચિમ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. જયારે પૂર્વ વિસ્તારમાં લોકડાઉન 4.0 દરમ્યાન કોઈ જ છૂટછાટ આપી નહતી પરંતુ અનલોક1માં ઉતરઝોન અને પૂર્વઝોનમાં પણ કેસ અને મરણ વધી રહ્યા છે.