Western Times News

Gujarati News

અમદાવાદના કોઠ ગામના ૧૫૦ APL કાર્ડ ધારકોએ  પોતાના ભાગનું અનાજ જતું કરીને ગામના ગરીબોને આપ્યું

પ્રતિકાત્મક

નાના વર્ગના લોકોએ સમાજના અતિ નાના વર્ગના લોકો માટે રાશન જતું કર્યુ

કોઠ ગામના યુવાન સુરેશભાઇ ભરવાડનું પ્રેરણાદાયી કાર્ય

આજના સમયમાં કોઇ પોતાના ભાગનું જતું કરવા તૈયાર નથી તેવા સમયે આવું કામ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના કોઠ ગામના યુવાનોએ કરી બતાવ્યું છે. પોતાના ભાગનું જતું કરવાના આવા એકલ- દોકલ કિસ્સા હશે. પરંતુ આપણે એવા એક કિસ્સાની વાત કરવી છે કે, જેમા એક જ ગામના એકસાથે ૧૫૦ લોકોએ પોતાના ભાગનું અનાજ લેવાનું જતું કરીને તેમના ભાગનું અનાજ તેમના ગામના જ નાના વર્ગના લોકોને આપ્યું છે.

આ તેમની શ્રીમંતાઇ છે કે , પોતે જ જરૂરિયાત વાળા હોવા છતાં પોતાનાથી વધુ જરૂરિયાતવાળા વર્ગ માટે તેમને મળતું અનાજ જતું કરીને ગામના અતિ જરૂરિયાતવાળા લોકોને આપ્યું છે. સમાજમાંથી આવી દરિયાદીલી દર્શાવીને સમાજ માટે ઉદાહરણરૂપ કાર્ય કર્યું છે. આજથી રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજે મહીને રાજ્યના ૬૮ લાખ લોકોને અનાજ વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ વિતરણ થવા જઇ રહ્યું છે ત્યારે એ.પી. એલ. કાર્ડ ધરાવતાં કોઠ ગામના પશુપાલનનો વ્યવસાય કરતાં ખોડાભાઇ ભરવાડે, ગામમાં વાણંદનો વ્યવસાય કરતાં રસીકભાઇ વાણંદ જેવા ૧૫૦ લોકોએ પોતાને મળતો અનાજનો જથ્થો પોતાના ગામના અતિ ગરીબ લોકો માટે જતો કર્યો છે.

તેઓ કહે છે કે, અત્યારે આપણે કપરાકાળમાંથી પસાર થઇ રહ્યા છીએ. કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સાધન સંપન્ન લોકો માટે કોઇ મોટી તકલીફ ઉભી થઇ નથી પરંતુ ગામના જે લોકો મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે તેવા લોકો માટે આ મુશ્કેલીના સમયમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે કારણ કે અત્યારે ખેતીકામની મજૂરી પણ ચાલતી નથી તેથી તેમની આવક પણ બંધ છે. તેવા સમયે આપણી જવાબદારી બને છે કે, જે લોકો પાસે છે તેઓ તેમના ભાગનું જતું કરીને બીજાને ઉપયોગી બને.

કોઠ ગામના લોકોને સમજાવીને તેમને આ કામ કરવા માટે પ્રેરિત કરવાનો શ્રેય ગામના નવયુવાન શ્રી સુરેશભાઇ ઝંઝાને જાય છે. તેમણે ગામના એ.પી.એલ. કાર્ડ ધરાવતાં લોકોને સમજાવ્યું કે,અત્યારના મુશ્કેલીના સમયમાં નાના લોકોની મદદ કરવી તે આપણી જવાબદારી છે.

શ્રી સુરેશભાઇએ વધુમાં કહ્યું કે, શરૂઆતમાં તો એ.પી.એલ. કાર્ડધારકો આ માટે સંમત થયા નહોતા પરંતુ થોડી સમજાવટ બાદ તેઓ તૈયાર થયા હતાં કે તેઓના ભાગનું અનાજથી બીજાના ઘરનો રોટલો બનવાનો હતો. આ જાણી તેમણે પણ અમને સહકાર આપ્યો હતો અને આમ કરતાં-કરતાં ગામના ૧૫૦ અગ્રતા ધરાવતા કાર્ડધારકોએ પોતાના ભાગનું અનાજ જતું કર્યું હતુ. તેમણે કોરોનાના આ સમયમાં ગામમાં સેનેટાઇઝેશન, ઉકાળાના વિતરણ, ગ્રામ્ય મજૂરોને પોતાના વતનમાં પહોંચાડવા જેવી પ્રવૃત્તિઓ કરી ગામ લોકોની સેવા કરેલી છે.

આજે સમગ્ર વિશ્વ અને ગુજરાત કોરોનાના સંક્રમણ સામે ઝઝૂમી રહ્યું છે. આ સંક્રમણકાળમાં જે લોકો પૂરતા સાધન સંપન્ન છે તે લોકો તો ગમે તેમ કરીને પોતાનું ગુજરાન ચલાવી લે છે. પરંતુ સમાજના જે લોકો પાસે રોજનું લાવીને રોજ ખાય છે તેવા લોકો માટે બે ટાઇમ પેટનો ખાડો પૂરવો પણ મુશ્કેલ છે તેવા સમયે સમયે સરકાર રાશન કાર્ડ પર અનાજનો જથ્થો ઉપલબ્ધ બનાવી તેમની મદદે આવી હતી.
રાજ્ય સરકારે આવા ૬૮ લાખ વંચિત લોકોને છેલ્લા બે માસ દરમિયાન દર મહિને ૩.૫ કિલો ઘઉં, ૧.૫ કિલો ચો.ખા. અને ૧ કિલો કઠોળનું વિતરણ કર્યુ હતું અને આજથી ફરીથી સતત ત્રીજા મહિને આવી જ રીતે ગુજરાતની ૧૭,૦૦૦ હજાર સસ્તા અનાજની દૂકાનો પરથી અનાજનું વિતરણ થવા જઇ રહ્યું છે.
આવી જ રીતે અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી NFSA (APL-1), NON NFSA, BPL,PMGKY, અન્ન બ્રહ્મ યોજના હેઠળ ૨૩.૪૦ લાખ પરિવારોને આવરી લઇને મુશ્કેલીના સમયમાં સરકાર પડખે ઉભી રહી છે.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ અગાઉ કહ્યું હતું કે, કોરોનાની મહામારીના આ સમયે જે લોકો સાધન સંપન્ન છે તેવા લોકો તેમના ભાગનું અનાજ જવા દે. આ વાતને માનીને ઘણા લોકો કે જેઓ એ.પી.એલ. (એબોવ પ્રોવર્ટી લાઇન) એટલે કે જેઓ ગરીબી રેખાની ઉપર છે તેવા લોકોએ પોતાના ભાગનું અનાજ જતું કરીને મુખ્યમંત્રીશ્રીની અપીલને ધ્યાને રાખીને પોતાના ભાગનું અનાજ જતું કર્યું છે.
આજથી રાજ્ય સરકાર દ્વારા સતત ત્રીજે મહીને રાજ્યના ૬૮ લાખ લોકોને અનાજ વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજ વિતરણ થવા જઇ રહ્યું છે ત્યારે એક નાનકડાં ગામમાંથી પ્રેરણા લઇને વધુને વધુ લોકો પોતાના ભાગનું અનાજ જતું કરે તો સમાજમાં રહેલી ‘હેવ અને હેવ નોટ’ (જેની પાસે છે અને જેની પાસે નથી) ની ખાઇને વધુને વધુ દૂર કરીને સમાન સમાજની રચના કરી શકાશે અને મહામારીના સમયમાં છેવાડાના લોકોને ટકી રહેવાની શક્તિ મળશે.
********


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.