સિસલ્સમાં મૃત્યુ પામેલા કચ્છના યુવાન પાસે પરિવાર ન પહોંચ્યો

ટાઈલ્સ ફિટિંગનો માસ્ટર યુવાન વધુ પૈસા કમાવવા માટે આફ્રિકા ગયો હતોઃ કોરોનામાં સપડાતા તેનું મૃત્યુ થયું
કચ્છ, અણધારી આફત સમાન કોરોનાની મહામારીએ સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર મચાવ્યો છે. લાખો લોકો તેની ઝપેટમાં આવ્યા પછી તેમના પરિવારોમાં ભારે આફત ઊભી કરી છે. એટલું જ નહિ, આ કાળમુખાની આડઅસર પણ કેટલી દર્દનાક છે તેનો કિસ્સો ભુજ તાલુકાનાં સામત્રા ગામના ગરીબ પરિવાર સામે આવ્યો છે.
ગામમાં ખેતમજૂરી કરી પેટિયું રળતા મહેશ્વરી અરજણભાઈ માંગલિયાનો નાનો પુત્ર પ્રેમજી (ઉ.વ.૩૨) ગત ફેબ્રુઆરીમાં જ વિદેશ કમાવવા આફ્રિકાના સિસલ્સમાં ગયો હતો. ટાઈલ્સ ફિટિંગનો માસ્ટર ગણાતો આ યુવાન સારા પગાર સાથે કામે પણ લાગ્યો હતો. પરિવારને સુખી જાવા માગતો એ યુવાન ઊંચા અરમાનો સાથે રાત-દિવસ તાપ-તડકો જાયા વગર ધંધામાં વ્યસ્ત રહેતો. પરંતુ કુદરતને કંઈક જુદું જ વિચાર્યું હોય તેમ ગત ૯ જૂનના તેનું મોત નિપજ્યું છે.
ભારે તાપ વચ્ચે ટાઈલ્સ ફિટિંગની કામગીરીમાં વ્યસ્ત પ્રેમજીને ગરમીને લઈ ચક્કર આવ્યા. જમીન પર પટકાઈ બેહોશ બન્યો, સાથે કામ કરતા સાથીદારોએ પણ તાબડતોબ હોસ્પિટલમાં પણ લઈ ગયા. સારવાર પણ મળી પરંતુ એ યુવાનની જિંદગી જાણે પૂરી થઈ હોય તેમ તેનું અવસાન થયું. સિસલ્સથી પ્રેમજીના સાથીઓ આ અંગે જાણ કરતાં પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પ્રેમજીના મૃતદેહને વતન લાવવા પરિવારે ભારે મથામણ કરી હતી. પરંતુ કોરોનાએ વિશ્વભરમાં પાથરેલી જાળને લઈ આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા સ્થગિત હોવાથી પ્રેમજીનો મૃતદેહ વતન લાવી શકાય તેમ ન હતો.
આખરે પરિવારોને સમજાવી સિસલ્સમાં જ તેની દફનવિધિ કરવાનો દુઃખી મન સાથે નિર્ણય લેવાયો. આ અંગેની જાણ સિસલ્સમાં કરાતાં હમવતની સાથીદારો ભારે ગમગીન બની સિસલ્સની મફલેરી ખાતે સ્મશાનયાત્રા કાઢી દફનવિધિ કરવામાં આવી હતી. આ બાજુ પરિવારમાં ભારે કરુણ દૃશ્યો વચ્ચે વલોપાત કરતા માતા-પિતા, છાથીફાટ રૂદન કરતી પત્ની, બાળકો, ભાઈઓ વગેરેને યુવાનનું છેલ્લે-છેલ્લે મોઢું જાવાનું તો ઠીક, કાંધ અને સ્મશાનમાં કબર પર માટી વાળવાનું પણ નસીબ ન થયું.
આ કરૂણ ઘટના આ પરિવાર માટે જિંદગીભર યાદ રહી રડાવતી રહેશે. સામત્રા ગામમાં ખેતમજૂરી કરી પેટિયું ૨ળતા મહેશ્વરી અરજણભાઈ માંગલિયાનો નાનો પુત્ર પ્રેમજી ગત ફેબ્રુઆરીમાં જ વિદેશ કમાવવા આફ્રિકાના સિસલ્સ ગયો હતો. ચક્કર આવ્યા બાદ પ્રેમજીને તેના સાથીદારો તાબડતોબ હોસ્પિટલમાં પણ લઈ ગયા હતા. સારવાર પણ મળી પરંતુ એ યુવાનની જિંદગીની જંગ જીતી શક્યો ન હતો.