પાકિસ્તાની ક્રિકેટરો પ્રવાસમાં પત્નિને સાથે રાખી શકશે નહીં
પાકિસ્તાની ટીમ ૩૦મી જુલાઈએ ઇંગ્લેન્ડ જશે-બે મહિના સુધી ખેલાડીઓ પત્નિ-પરિવારથી દૂર રહેશે
કરાચી, કોરોના વાયરસને કારણે ક્રિકેટ રમાતું નથી અને કેટલાક ક્રિકેટ બોર્ડ તો આર્થિક સંકટમાં આવી ગયા છે તેવામાં ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાનારી છે અને ત્યાર બાદ પાકિસ્તાનની ક્રિકેટ ટીમ પણ ઇંગ્લેન્ડ જશે. આમ ક્રિકેટનો પ્રારંભ થઈ રહ્યો છે. જુલાઈમાં ઇંગ્લેન્ડ-વિન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ રમાશે અને ત્યાર બાદ પાકિસ્તાનની ટીમ પણ ત્રણ ટેસ્ટ રમવા માટે ઇંગ્લેન્ડ જનારી છે. આ ઉપરાંત તેઓ ત્રણ ટી૨૦ મેચની સિરીઝ પણ રમનારા છે.
આ સિરીઝ માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ માટે ગાઇડલાઇન જારી કરી છે. પીસીબીએ આ પ્રવાસ માટે ખેલાડીઓ કે અધિકારીઓને તેમની સાથે તેમની પત્નીઓને લઈ જવાની મનાઈ ફરમાવી દીધી છે. કોરોના વાયરસને કારણે સુરક્ષા માટે આ નિર્ણય લેવાયો છે.
ઇંગ્લેન્ડ બોર્ડ ચાર્ટર્ડ ફ્લાઇટ માટે પાંચ કરોડનો ખર્ચ કરી રહ્યું છે. જેમાં ૨૯ ખેલાડી અને ૧૪ અધિકારીઓ ઇંગ્લેન્ડ જશે. પીસીબીએ આ અંગે ખેલાડીનો સ્પષ્ટતા કરી છે કે ક્રિકેટર તેમની સાથે પત્ની કે બાળકોને જઈ શકશે નહીં કેમ કે ત્યાં ગયા બાદ પણ ખેલાડીઓએ પરિવારથી તો અલગ જ રહેવાનું છે.
આમ સપ્ટેમ્બરના અંત સુધી કોઈ ખેલાડીને તેના પરિવારને મળવા દેવાશે નહીં. ટીમ ૩૦મી જુલાઈએ રવાના થનારી છે અને પ્રથમ ૧૪ દિવસ કોરોન્ટાઇનમાં રહેશે. આમ પાકિસ્તાની ખેલાડીઓ લગભગ બે મહિના સુધી તેમની પત્ની કે પરિવારજનોને મળી શકશે નહીં.