અમદાવાદમાં વધુ સાત ટીપીને ગુજરાત સરકારની અંતે મંજૂરી
ગાંધીનગર: આત્મનિર્ભર ભારતમાં ઇકોનોમી, ઇન્ફ્રાસ્ટ્રકચર, સીસ્ટમ, વાઇબ્રન્ટ ડેમોગ્રાફી અને ડિમાન્ડના આ પાંચસ્થંભના મહત્વપૂર્ણ એવા ઇન્ફ્રાસ્ટ્રકચર-આંતરમાળખાકીય સુવિધાઓનો રાજ્યના નગરો-મહાનગરોમાં વ્યાપ વિસ્તારી સુઆયોજિત વિકાસ માટે ટાઉન પ્લાનીંગ સ્કીમ્સ મંજૂર કરવાનો વ્યૂહ રાજ્ય સરકારે અપનાવ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ મહાનગરમાં સુઆયોજીત વિકાસ ત્વરિત અને પારદર્શી ઢબે કરવાના અભિગમથી ૭ જેટલી ટાઉન પ્લાનીંગ સ્કીમને મંજૂરી અપાઈ છે. ૨૦૨૦માં કોરોના વાયરસ સંક્રમણને કારણે લોકડાઉનની સ્થિતિ સર્જાતા પૂર્વેના ત્રણ મહિનામાં જ રાજ્ય સરકારે ૧૧ ડ્રાફ્ટ ટી.પી., ૧૧ પ્રીલીમીનરી ટી.પી., ૩ ફાઇલન ટી.પી. એમ કુલ મળીને ૨૫ ટી.પી. અને એક ફાયનલ ડી.પી. મંજૂર કરી છે.
રાજ્ય સરકારે કોરોના સંક્રમણ સામે-કોરોના સાથે સાવચેતીપૂર્વક જીવન જીવવાનો રવૈયો અપનાવી જનજીવન પૂર્વવત થાય અને માળખાકીય વિકાસકામો સહિતના કાર્યોમાં નવી ગતિ-નવી દિશા આવે તે માટે અનલોક-૧ અંતર્ગત શરૂઆતમાં આઠ ટાઉન પ્લાનીંગ સ્કીમની પ્રથમ અઠવાડિયામાં મંજુરી બાદ બીજા અઠવાડિયામાં વધુ ૭ ટાઉન પ્લાનીંગ સ્કીમને પરવાનગી આપી છે. હવે મંજૂર કરાયેલી ટી.પી. સ્કીમમાં અમદાવાદની છ ડ્રાફ્ટ ટી.પી. તથા એક પ્રીલીમીનરી ટી.પી.નો સમાવેશ થાય છે. જેમાં કલાણાની ટી.પી.સ્કીમ નં.૩૮૩, ૧૪૦/અ, ૧૪૦/બ, ૧૪૧ અને ૧૪૪ તથા સનાથલની ટી.પી.સ્કીમ નં.૪૦૪ (બી) ના ડ્રાફ્ટને મંજૂરી તથા ટી.પી.સ્કીમ નં.૩૬ (છારોડી)ની પ્રીલીમીનરી મંજૂરી આપવામાં આવી છે.
અમદાવાદ-ઔડા વિસ્તારની છ ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થતા ખાસ કરીને કલાણાના ગામતળ એક્સટેન્સન તથા ઔદ્યોગિકનો ઘણો મોટો વિસ્તાર તેમજ સનાથલના શહેરથી થોડે દૂરના અંતરોના ગામોમાં વિકાસની વધુ તકો ઉપલબ્ધ થઇ છે તથા આશરે ૬૦૦ હેકટર્સ જમીનના આયોજનને આખરી ઓપ મળ્યો છે. અમદાવાદ-ઔડા વિસ્તારની છ ડ્રાફ્ટ ટી.પી. સ્કીમથી સત્તામંડળને ૨૧૫ જેટલા જાહેર હેતુની પ્લોટો સંપ્રાપ્ત થશે.
આવા જાહેર હેતુના સંપ્રાપ્ત થનારા પ્લોટોમાં આર્થિક અને સામાજીક રીતે નબળા વર્ગના લોકોના રહેઠાણ (જીઈઉજીૐ) માટે આશરે ૨૫.૬૫ હેકટર્સ જમીન, બગીચા/ખુલ્લી-જગ્યા/રમત-ગમતના મેદાન વિગેરે માટે આશરે ૨૨.૦૦ હેકટર્સ જમીન તેમજ સામાજીક માળખા માટે આશરે ૨૬.૨૦ હેકટર્સ તથા આંતરમાળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે લગભગ ૬૮.૦૦ હેકટર્સ જમીન ઉપલબ્ધ થશે. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ડ્રાફ્ટ સ્કીમના રસ્તાઓનું પણ ઝડપથી અમલીકરણ કરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામોને પ્રાધાન્ય આપવા પણ તાકીદ કરી છે.