ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બે સેન્ટર ને આવરી લઇ સગર્ભા મહિલાઓનો નિદાન અને સારવાર કેમ્પ યોજાયો
સગર્ભા મહિલાઓને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું :કોરોનાના કપરા કાળમાં પણ આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની વિશેષ કાળજી લઇ તે નિરોગી રહે તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરાઈ
લુણાવાડા, કોરોનાવાયરસની વૈશ્વિક મહામારી વચ્ચે પણ મહીસાગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. જેના થકી કોરોના સંકટકાળ માં પણ સગર્ભા મહિલાઓની તંદુરસ્તી જળવાઇ રહે અને નિરોગી રહે તે માટે રક્ષણાત્મક આરોગ્યલક્ષી પગલાં લઇ તેમનું સ્વાસ્થય સારું રહે તે માટે ઉમદા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
જિલ્લા કલેકટર શ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડો એસ.બી.શાહ ની નિગરાની તળે લુણાવાડા તાલુકાના ઉંદરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસર ડો. રવિ શેઠ અને તેમની આરોગ્ય ટીમ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઊંદરાં ખાતે સગર્ભા મહિલાઓ નો નિદાન તથા સારવાર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. માસિક ધોરણે આ કામગીરી હેઠળ બે સેન્ટર ને આવરી લઇ છત્રીસ સગર્ભા મહિલાઓની લેબોરેટરી તપાસ કરવામાં આવી જે પૈકી પાંડુરોગ (એનિમિયા) વાળી સગર્ભા મહિલાઓ ને લોહતત્વ વધારવાના ઇન્જેક્શન ૨૪ સગર્ભાને આપવામાં આવ્યા હતા
તેમજ તમામ સગર્ભા મહિલાઓને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાની પણ આપવામાં આવેલ જેના થકી મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા વાહક જન્ય રોગો સામે સગર્ભા મહિલાઓને સુરક્ષિત રાખી શકાય તે માટે આરોગ્ય ટીમ દ્રારા સગર્ભા મહિલાઓને જંતુનાશક દવા યુક્ત મચ્છરદાનીનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મચ્છર દાનીની જાળી માં કેમિકલ હોય છે જે મચ્છરોને આવતા રોકે છે જેથી સગર્ભા મહિલાઓને મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવા રોગોથી રક્ષણ મળી શકે છે. તેમજ આ કેમ્પમાં તેઓને કોરોના મહામારી અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સદર કેમ્પ દરમિયાન સગર્ભા મહિલાઓએ ફરજીયાત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવામાં આવેલ હતું. આમ કોરોનાના કપરા કાળમાં પણ આરોગ્ય તંત્ર સગર્ભા મહિલાઓ માટે વિશેષ દેખભાળ લઇ તેમની તંદુરસ્તી જળવાઇ રહે તે માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યું છે.