Western Times News

Gujarati News

૨૫ મીટરની ઊંચાઇના ધરાશાયી થયેલા બે વીજ ટાવરોને વીજકર્મીઓએ જાનના જોખમે પ્રતિકુળ સંજોગો વચ્ચે ફરી યથાવત કર્યા

દાહોદ શહેર સહિત કુલ ૨૮૫ ગામડાઓમાં અંધારપટને દૂર કરવા પાંચ દિવસ સુધી સતત જાનના જોખમ વચ્ચે વીજકર્મચારીઓનું ઓપરેશન : અંધારપટ થયેલા વિસ્તારોમાં વૈકલ્પિક વ્યવસ્થા કરી ઓપરેશન હાથ ધર્યુ  આલેખન: મહેન્દ્ર પરમાર

અત્યારના સમયમાં સામન્ય માણસ ઘણી સુખ સુવિધાઓ સાથે જીવન જીવે છે. પરંતુ વિજળી, પાણી જેવી આ સુવિધાઓ સતત મળતી રહે તે માટે સરકારી તંત્રના કર્મચારીઓ રાત દિવસ, કોઇ પણ સંજોગોમાં જીવના જોખમે પણ કામગીરી કરતા હોય છે. ગત તા. ૧૨ જુનના રોજ દાહોદ તાલુકામાં વર્ષાઋતુનું વાવાઝોડા સાથે આગમન થતા ધરાશાયી થયેલા ૨૫ મીટરની ઊંચાઇના બે વીજ ટાવરોને વીજકર્મીઓએ ભારે જહેમત અને પ્રતિકુળ સંજોગો વચ્ચે ફરીથી યથાવત કર્યા હતા. જિલ્લા કલેક્ટર શ્રી વિજય ખરાડીના સંકલનમાં રહીને જે તે વિસ્તારમાં વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરી આ બંને વીજ ટાવરોના સમારકામનું ભગીરથ કાર્ય વીજ અધિકારીઓ-કર્મચારીઓએ જાનની પરવા કર્યા વિના સફળતાપૂર્વક કર્યુ હતું.

આ વાવાઝોડા સાથેના વરસાદને કારણે દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશનના ૬૬ કેવીના ૨૫ મીટર ઉંચાઇના બે સર્કિટવાળા બે ટાવર રાતના ૩ વાગે ધરાશાયી થયા હતા. જેના કારણે દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, લીમડી, ઝાલોદ, ફતેપુરાની પેટાવિભાગીય કચેરીઓના અને તેની આજુબાજુના વિસ્તારોમાં વીજ પ્રવાહમાં વિક્ષેપ પડ્યો હતો. આ બે ટાવર વીજ લાઇન દ્વારા દાહોદ જીલ્લાના ૬૬ કેવી ના કુલ ૦૮ સબસ્ટેશન જે અનુક્રમે કારઠ, ગુલતોરા, ઝાલોદ, લખનપુર, ખરેડી, ખરોડ, નવાગામ અને કઠલા સબસ્ટેશનોમાં વીજપ્રવાહ સંપૂર્ણપણે બંધ થઇ ગયો હતો.

ઉપરાંત કુલ ૨૦ ફીડર પ્રભાવિત થતા ૨૮૫ ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. આ પ્રભાવીત ફીડરોને વીજ પુરવઠો હંગામી ધોરણે પૂરો પાડવા માટે મધ્યગુજરાત વીજ કંપીની લી. અને ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશનના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓએ સતત ફીલ્ડ ઉપર રહી દાહોદ જીલ્લાના ૦૮ સબસ્ટેશનને વીજ પુરવઠો તા. ૧૨ જુનના રોજ બપોરે ૧૨ઃ૦૦ વાગ્યા સુધીમાં ચાલુ કર્યો હતો અને સંતરામપુરથી આવતી લાઇન દ્વારા કુલ ૧૧ સબસ્ટેશનોને વૈકલ્પિક વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાહોદ જીલ્લા ની મુખ્ય જીલ્લા કચેરીઓ અને શહરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી.

આ બંને ધરાશાયી થયેલા ટાવર ઊભા કરવા માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કંપનીના ૨૦ માણસોનો સ્ટાફ, કોન્ટ્રાકટરની બે ટીમના ૩૦ માણસો તેમજ સામ્રગી પણ યુદ્ધના ધોરણે સ્થળ ઉપર પહોંચતા કરી અને ભારે વરસાદના પ્રતિકુળ સંજોગો વચ્ચે પણ સતત દિવસ રાત કામગીરી કરવામાં આવી હતી. આ માટે અધિક્ષક ઈજનેરશ્રી એન.જે રાઠોડ, કાર્યપાલક ઈજનેરશ્રી એન.આર.ગરાસીયા અને તેમના કુલ ૦૮ ઈજનેરશ્રીઓએ ભારે જોખમ વચ્ચે ફીલ્ડમાં રહીને કામગીરી કરી હતી. અને તા. ૧૬ જુનના સાંજે ૫ વાગ્યા સુધીમાં તમામ ૬૬ કેવી સબસ્ટેશનોમાં વીજસપ્લાય યથાવત કર્યો હતો. આ અઠવાડીયા દરમિયાન ચાલુ રહેલા વરસાદ વચ્ચે પણ આ કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા વીજ કર્મચારીઓએ ભારે જહેમત લઇ આ બંને વીજ ટાવરોને યથાવત કર્યા હતા.

મધ્ય ગુજરાત વીજ કંપની લી. ના કાર્યપાલક ઈજનેરશ્રી સંજય વર્મા, નાયબ ઈજનેરશ્રી મહેન્દ્રસિંહ નાયક, દાહોદ વિભાગીય કચેરીના ઈજનેરશ્રીઓ, દાહોદ રૂરલ અને દાહોદ શહેરના ઈજનેરશ્રીઓ એ જીઆઇડીસીના સભ્યો સાથે પણ સતત સંકલનમાં રહી ઉદ્યોગપતિઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે દાહોદના જુદા જુદા વિસ્તારના ઉદ્યોગો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.