બોપલ બની રહ્યું છે કોરોના વાયરસનું નવું હોટસ્પોટ
અમદાવાદ: બોપલ વિસ્તાર અમદાવાદ નજીક કોરોનાનું નવું હોટસ્પોટ બની રહ્યું છે. દસક્રોઈ તાલુકામાં નોંધાયેલા ૧૫૩ કેસોમાંથી અંદાજે ૪૫ ટકા જેટલા કેસ બોપલમાં સામે આવ્યા છે. બોપલ-ઘુમા નગરપાલિકા આ તાલુકામાં જ આવે છે. પાછલા અઠવાડિયાથી નગરપાલિકામાં કોરોનાના ૨૭ નવા કેસો સામે આવી ચૂક્યા છે. ૧૭મી માર્ચથી ૧૦ મે સુધી અહીં માત્ર ૩૯ કેસ નોંધાયા હતા. નગરપાલિકાની હદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અડીને આવેલી છે. બોપલ-ઘુમામાં વધી રહેલા નવા કેસનો સોર્સ શું છે તે વિશે અધિકારીઓ પણ સ્પષ્ટ નથી.
નગરપાલિકામાં પાછલાઅઠવાડિયે જ ૨૫ ટકા કેસો સામે આવ્યા છે. બોપલના આરોહી ક્રેસ્ટમાં રહેતું કપલ વર્ક ફ્રોમ હોમ કરે છે અને પોતાના વિસ્તારમાંથી ક્યાંય બહાર ગયું નહોતું. આવી જ રીતે આરોહી ટિ્વન બંગ્લોઝમાં પોઝિટીવ આવેલી વ્યક્તિ પણ સોસાયટીમાંથી બહાર નહોતી ગઈ.
અધિકારીએ જણાવ્યું કે, સમસ્યા વિસ્તારના શાકભાજી અને ફળ વિક્રેતાઓથી લાગે છે, જેમનું સ્વાસ્થ્ય મોનિટર કરાયું નથી. ધોળકા અને સાણંદના ગામડાઓમાંથી નાના ટેમ્પો ચાલક આવતા હોય છે. આ વિક્રેતાઓ પાસે હેલ્થ કાર્ડ નથી હોતું. ઉપરાંત વિસ્તારના ફેરિયાઓનું પણ હાલમાં હેલ્થ ચેકઅપ થયું નથી.
હાલમાં જ બોપલમાં એક વૃદ્ધ મહિલા અને તેની વહુ શાકભાજી વિક્રેતાના સંપર્કમાં આવ્યા બાદ કોરોના પોઝિટીવ મળ્યા. આ બાદ ઈસ્કોન પ્લેટિયમમાં એક મહિલા કોરોના સંક્રમિત મળ્યા. અધિકારીઓને પણ શંકા છે કે તેમને સંક્રમણ કોઈ શાકભાજી વિક્રેતા થયું હોઈ શકે છે. બોપલની સ્ટર્લિગ સીટીમાં પણ કોરોના પોઝીટીવ કેસો મળ્યા છે. આવી જ રીતે આરોહી એલિઝિયમમાં પણ એક કોરોના પોઝિટીવ કપલ મળ્યું છે. જા કે તેમના સંક્રમણના સોર્સની હજુ સુધી કોઈ માહિતી મળી નથી.
અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશબાબુએ જણાવ્યું કે, પ્રતિબંધો હળવા બનતા લોકો બેદરકાર બની રહ્યા છે. તેમણે કહ્યું, લોકો ફેરિયાઓ અથવા પાડોશીઓને મળે ત્યારે સાવધાની રાખતા નથી.