સુરતનો હીરા ઉદ્યોગ કોરોનાની ઝપટમાં ૭ પેઢી બંધ કરાવાઈ
સુરત: સુરત શહેરમાં દિન પ્રતિદિન વધતા કેસોમાં ડાયમંડની પેઢીઓમાં પણ વધુ કેસો સામે આવી રહ્યા છે. જેથી હવે મનપા કમિશનર દ્વારા આવા યુનિટો સામે કડક કાર્યવાહી કરવા આદેશ પણ આપવામાં આવ્યો છે. જે પણ યુનિટોમાં કેસો આવે તેને હાલમાં બંધ કરાવી દેવામાં આવે છે. આજે પણ કતારગામ ઝોનમાં કુલ સાત ઝોનને બંધ કરાવવામાં આવ્યા હતા. જેમાં ચાર ને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. કુલ ૧૨૮ લોકોને હોમ ક્વોરોન્ટાઇન પણ કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છેકે પાછલા કેટલાક દિવસો થી સૌથી વધુ કેસ કતારગામ વિસ્તારમાં આવી રહ્યા છે અને વધુ પડતા રત્નકલાકારો આવે છે સામે આજે પણ ૧૨ રત્નકલાકાર અને બે હિરા ના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
કતારગામ વિસ્તારમાં ડાયમંડ યુનિટો ચાલુ થતાની સાથે જ કોરોનાના કેસો પણ વધ્યા છે. હાલમાં મળતા કેસોમાં ૫૦ ટકા કેસો ડાયમંડ યુનિટો સાથેના સંપર્કમાં આવતા હોય તેવા નીકળી રહ્યા છે. જે પણ ડાયમંડ યુનિટોમાં કેસો આવે તેને બંધ કરાવવામાં આવી રહ્યા છે. આ સિવાય મનપા કમિશ્નરે દંડ ફટકારવાનો પણ આદેશ આપતા સઘન કામગીરી કરવામાં આવી રહી છે. આજે પણ કતારગામ ઝોન વિસ્તારમાં આવેલ નંદુ ડોશીની વાડી દાનેવ એસ્ટેટ ૩૦૧માં આવેલ ઓમ સ્ટાર ડાયમંડમાં ૧ વ્યક્તિને હોમ ક્વોરોન્ટાઇન કરી ૫૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે.
આ સિવાય વસ્તાદેવાળી રોડ પર ક્રિષ્ણા ડાયમંડ બિલ્ડીંગમાં એ/૧૦૪માં નીલમ ડાયમંડ ફેકટરીમાં કામ કરતા ૫ વ્યક્તિને હોમ ક્વોરોન્ટાઇન કરી ૨૦૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો. કતારગામમાં પટેલ ફળિયાની બાજુમાં સાપરા મીઠાઈની બાજુમાં આવેલ શિવમ એક્સપર્ટ ને ૪૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ સિવાય કતારગામમાં મહેતા પેટ્રોલપમ્પ ની પાસે વૈશાલી જેમ્સના બીજા માલમાં ૩૫ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે અને ૩૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. નંદુડોશી ની વાડીમાં આવેલ સીતારામ કોમ્પ્લેક્ષમાં ૩૦૨માં દ્રષ્ટિ જેમ્સમાં કામ કરતા ૧૨ લોકો તથા સીતારામ કોમ્પ્લેક્ષમાં જ ૨૦૧ નંબરમાં આવેલ જમુનેશ ડાયમંડના ૪૦ કર્મચારીઓને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. જયારે નંદુડોઢીની વાડીમાં આવેલ ધર્મનંદન ડાયમંડના શ્રીજી જેમ્સમાં ૩૫ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. આમ કુલ ૧૨૮ લોકોને હોમ ક્વોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.
આ તમામ ખાતાઓના માળ બંધ કરાવી દેવામાં આવ્યા છે. કતારગામ ઝોન વિસ્તારમાં દબાણની કામગીરી પણ કરવામાં આવી હતી જેમાં ૫૬ લારી અને ૧૪૦ પાથરણા જપ્ત કરવામાં આવ્યા હતા. અલગ અલગ દુકાનદારો અને લારીવાળા પાસેથી ૩૬૯૦૦ નો દંડ પણ વસુલવામાં આવ્યો છે. કતારગામ ઝોન વિસ્તારમાં માસ્ક વગર લારી ચલાવતા સંચાલકો, દુકાનદારો પાસેથી ૫૦૯૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો.