ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ચાલતા ડાયાલીસીસ સેન્ટરને લાગ્યું વીજળી અને પાણીનું ગ્રહણ
ચાર દિવસથી વીજળી અને પાણી બંધ થઈ જતા દર્દીઓને હાલાકી થી જિંદગી જોખમમાં. : જનરેટર પણ બંધ કરી દેવાતા ચાલુ ડાયાલીસીસે દર્દીઓ આર.એમ.ઓને રજુઆત કરી. : સિવિલ સંચાલકોના ઉડાઉ જવાબ તો બાબરીયા ટ્રસ્ટના સંચાલકોનું પણ સૂચક મૌન : દર્દીઓએ મીડિયા સમક્ષ ઠાલવ્યો રોષ.
ભરૂચ: ભરૂચમાં સિવિલ હોસ્પિટલમાં ચાર દિવસ થી વીજળી વેરણ બનતા દર્દીઓની હાલત કફોડી બની છે.ખાસ કરીને ડાયાલિસિસના દર્દીઓના સમયસર ડાયાલિસિસ ના થતા દર્દીઓના માથે જીવનું જોખમ તોળાઈ રહ્યું છે. કામચલાઉ રીતે જનરેટરનો ઉપયોગ કરાતો હતો તે પણ બંધ કરાતા ચાલુ ડાયાલિસીસે દર્દીઓ આર.એમ.ઓ ને રજુઆત કરવા દોડી આવ્યા હતા.પરંતુ આર.એમ.ઓ પણ શું કહે તે મુદ્દો ચર્ચા નો બની ગયો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં અમદાવાદ ની ઈન્સ્ટીટ્યુટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર (આઈ.કે.ડી.આર.સી) દ્વારા ડાયાલીસીસ સેન્ટર ત્રણ વર્ષ પહેલા ડાયાલીસીસ સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતું.ડાયાલીસીસ સેન્ટરમાં ત્રણ શીફ્ટમાં રોજના ૪૦થી ૪૫ જેટલા દર્દીઓના ડાયાલીસીસ કરાય છે.જોકે આ દર્દીઓ સામે ચાર દિવસથી જીવનું જોખમ ઉભું થયું છે.
સિવિલ સંકુલમાં ત્રણ દિવસથી વીજ પ્રવાહ બંધ થઈ જતાં પાણીની પણ સમસ્યા ઉભી થઈ છે. ડાયાલીસીસ માટે પ્રાથમિક જરૂરિયાત જ વિજળી અને પાણી છે.તેવા સંજોગોમાં વિજળી અને પાણી બંને બંધ થઈ જતા ડાયાલીસીસના દર્દીઓની હાલત કફોડી બની છે. સિવિલ સંચાલકોએ કામચલાઉ રીતે જનરેટર દ્વારા દર્દીઓના ડાયાલીસીસ કરવાની તૈયારી કરી હતી.
જોકે તે પણ આજરોજ દર્દીઓના ડાયાલીસીસ ચાલુ હતા તે દરમિયાન જ બંધ થઈ જતાં દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.ચાલુ ડાયાલીસીસે દર્દીઓએ ઉભા થઈ સિવિલ હોસ્પિટલના બે માળ નીચે ઉતરી રેસીડેન્સીયલ મેડીકલ ઓફિસર (આર.એમ.ઓ.)ને રજુઆત કરવાની ફરજ પડી હતી.
ઉલ્લેખનીય છે કે ભરૂચ સિવિલ હોિસ્પટલ છેલ્લા કેટલાક સમયથી બાબરીયા ટ્રસ્ટને સોંપાઈ હતી.જેના પગલે બાબરીયા ટ્રસ્ટનું સંપૂર્ણ મેનેજમેન્ટ હાલ સિવિલ હોિસ્પટલમાં ચાલુ છે પરંતુ વિજળી અને પાણીની હાલાકીના મામલે સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. સહિતના સંચાલકો ઉડાઉ જવાબ આપે છે. જ્યારે બાબરીયા મેનેજમેન્ટ ચુપકીદી સાધીને બેઠું છે અને તેવા સંજોગોમાં જો કીડનીના દર્દીઓના યોગ્ય સમયે ડાયાલીસીસ ન થાય તો તેમના જીવનું જોખમ ઉભું થાય તો તેની જવાબદારી કોની આ યક્ષ પ્રશ્ન ઉભો થયો છે.
સિવિલ સંકુલમાં ચાર દિવસ થી વિજળી વેરણ બનતાં વોર્ડમાં દાખલ દર્દીઓની હાલત પણ કફોડી બની છે.એક તરફ આકરો તાપ અને બફારો છે.આવા સમયે જ વિજળી ગુલ થઈ જતાં દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.વૃધ્ધ અને બાળ દર્દીઓની હાલત વધુ ખરાબ થઈ છે.જેથી વોર્ડના દર્દીઓને પણ હાલાકી ભોગવવાનો વાળો આવ્યો છે.
સિવિલ સંકુલમાં ચાર- ચાર દિવસથી વિજળીના ધાંધિયા ચાલે છે.આમ છતાં પણ હોસ્પિટલ સંચાલકો હાથ પર હાથ ધરીને બેઠા હોય તેમ લાગે છે. ચાર દિવસથી વિજ કર્મચારીઓ આવીને ફાંફા મારે છે પરંતુ આધુનિક ઉપકરણોના અભાવે ફોલ્ટ પકડાતો નથી.અગાઉ શહેરમાં વિજ પ્રવાહ પુરો પાડતી જેટકોની અંડર ગ્રાઉન્ડ લાઈનમાં ફોલ્ટ થતા અડધા ઉપરના શહેરે બે દિવસ સુધી અંધારપટનો સામનો કરવો પડ્યો હતો.જ્યારે હવે સિવિલ હોસ્પિટલ ચાર દિવસથી વીજ ફોલ્ટ મળતો ન હોવાથી વિજળી વિના વલખાં મારે છે જેનો ભોગ દર્દીઓ બની રહ્યા છે.