Western Times News

Gujarati News

શાળા કોલેજ નજીકના ગલ્લા બંધ કરાવાશે- યુવાનોમાં નશો રોકવાનું પગલું ?

File photo

સમગ્ર શહેરમાં દંડની કાર્યવાહી કરી મોટી રકમ વસુલ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : લાંબુ વેકેશન પૂર્ણ થયા બાદ હાલમાં શાળા-કોલેજા ફરી શરૂ થઈ છે. યુવાધન ઉત્સાહી બની પોતાની કારકીર્દી બનાવવા માટે હવે ફરી અભ્યાસ તરફ ધ્યાન આપશે. બીજી તરફ શાળા કોલેજાની નજીક લારી ગલ્લાવાળા ઉભાં રહીને તમાકુની બનાવટો વેચી રહયાં છે.

અન્ય કેટલાંક તમાકુની બનાવટોનો વેપલો કરી રહયાં છે. જેથી યુવાનો ગુટખા-તમાકુની કુટેવો તરફ ન વળે એ માટે થઈને બે દિવસ અગાઉ શહેર પોલીસ કમીશ્નર દ્વારા જેટની ટીમો તથા સમગ્ર પોલીસતંત્રને શહેરમાં આવેલી શાળા-કોલેજાથી૧૦૦ મીટરનાં અંતરમાં તમાકુની બનાવટોનું વેચાણ કરતાં વેપારીઓ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઉપરાંત આ ડ્રાઈવ અઠવાડીયા સુધી ચલાવવાની સુચના આપવામાં આવી છે.

યુવાનોમાં વધી રહેલો નશો રોકવાનું પ્રથમ પગલું ? કમિશ્નરનાં આદેશ મુજબ અઠવાડીયા સુધી ડ્રાઈવ ચાલશે

શહેર પોલીસ કમિશ્નરનાં આદેશોનું પાલન કરતાં જેટની ટીમો તથા સ્થાનિક પોલીસે ગઈકાલે સમગ્ર શહેરમાં સપાટો બોલાવતાં ગઈકાલે ખૂબ જ મોટાં પ્રમાણમાં શાળા કોલેજ નજીક પ્રતિબંધિત પદાર્થોનું વેચાણ કરતા શખ્સોને દંડયા હતા. ગેરકાયદેસર હોવા છતાં યુવાનોને તમાકુની બનાવટો વેચતાં વેપારીઓ વિરૂધ્ધ ઝુંબેશ શરૂ કરીને ડ્રાઈવનાં પ્રથમ દિવસે જ અમદાવાદ પોલીસે દંડની ઘણી મોટી રકમ એકત્ર કરી હોવાનું જાણવા મળી રહયું છે. અચાનક આ કાર્યવાહી થતાં નાનાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. ઉપરાંત અઠવાડીયા સુધી ડ્રાઈવ ચાલુ રહેવાની હોવાને કારણે તમાકુની બનાવટો વેચતાં લારી-ગલ્લાવાળા વેપારીઓ સતર્ક થઈ ગયાં છે.

ટ્રાફીકની ડ્રાઈવ દરમ્યાન ગઈકાલે જેટની તથા સ્થાનિક પોલીસની ટીમોને કરીયાણાની તથા અન્ય દુકાનોમાંથી પણ તમાકુની બનાવટો મળી આવી હતી. જેનાં પગલે અન્ય ધંધાની આડમાં તમાકુ વેચતાં વેપારીઓ સામે પણ સઘન કાર્યવાહી કરવામાં આવી છે.  ડ્રાઈવ દરમ્યાન ગેરકાયદેસર હોવા છતાં ૧૮ વર્ષથી નીચેનાં વ્યકિતને તમાકુની બનાવટો વેચતાં શખ્સો પણ દંડાયા છે. ઉપરાંત ફકત શાળા કોલેજા સુધી સીમિત ન રહેતાં તંત્ર દ્વારા જાહેર રોડ ઉપર પણ ઠેલાં રાખીને પ્રતિબંધીત વસ્તુઓ વેચતાં ઈસમોને દંડ કરવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે જ સપાટો બોલાવતાં પોલીસે ઘણાં મોટાં પ્રમાણ દંડનો કાર્યવાહી કરી હતી. આ જ કાર્યવાહી અઠવાડીયા સુધી ચાલવાની છે. જેની અન્ય વેપારીઓ સતર્ક બની ગયા છે. પોલીસે ગઈકાલે કરેલી ડ્રાઈવ દરમ્યાન વેપારીઓને દંડ કરવા ઉપરાંત તેમની પાસેથી તમાકુનો જથ્થો જપ્ત કરીને તેનો નાશ કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં છેલ્લાં કેટલાંક સમયમાં વિવિધ શહેરોમાંથી નશીલા પદાર્થોનો જથ્થો સતત મળી આવતો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને રાજયનાં ગૃહ વિભાગ તથા પોલીસ તંત્ર દ્વારા આ દિશામાં વ્યવસ્થિત તપાસ કરવામાં આવી હતી. પોલીસની તથા એનડીપીએસની ટીમો કામે લાગી હતી. અનેસઘન કાર્યવાહીનાં અંતે ચોકાવનારી વિગતો બહાર આવી હતી.

જે મુજબ કેટલાંક તત્વો પંજાબ રાજયની જેમ ગુજરાત રાજયને પણ નશાની ચુંગાલમાં ફસાવવાનું વ્યવસ્થિત ષડયંત્ર રચ્યું છે. જે માટે બહારનાં દેશોમાંથી સમુદ્ર વાટે આવતો નશીલા દ્રવ્યોનો જથ્થો દક્ષીણા ભારતનાં અમુક રાજયોમાં ઠાલવવામાં આવે છે અને ત્યાંથી ટ્રેન દ્વારા જુદા જુદાં પાર્સલો બનાવી સુરત, વડોદરા અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં મોકલવામાં આવે છે.

આ શહેરોમાંથી નાનાં નાનાં પાર્સલો બનાવીને નશીલા પદાર્થોનાં વેપારમાં સંડોવાયેલાં શખ્સોને આપવામાંઆવે છે. આ શખ્સો દ્વારા ગુજરાતનાં યુવાઓને નશીલા દ્રવ્યોનું વેચાણ કરી રહયાં છે. ગત કેટલાંક તેનાંકારણો આવાં પદાર્થોનું સેવન કરતાં યુવાનોની સંખ્યા ખૂબ જ વધી ગઈ છે. જેનું સૌથી મોટું કારણ નશીલા દ્રવ્યોનું વેચાણ કરતાં શખ્સો ખાસ કરીને શાળા કોલેજા કે જયાં યુવા વર્ગનો ઘસારો વધુ જાવા મળે છે.ત્યાં પોતાનો ધંધો વધારે રહયાં છે. ચોકાવનારી આ માહીતી સામે આવતાં જ પોલીસ તંત્રના ઉચ્ચ અધિકારીઓની મીટીંગો મળી હતી. જેમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અને તેનો તાત્કાલિક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

જેનાં પગલે સમગ્ર પોલીસ તંત્ર એલર્ટ થઈ ગયું છે. તથા શરૂઆત શહેર પોલીસ કમીશ્નર દ્વારા બે દિવસ અગાઉ શાળા કોલેજની ૧૦૦ મીટરનાં અંતરમાં આવતાં તમાકુની બનાવટનું વેચાણ કરતાં વેપારીઓ વિરૂધ્ધ કાર્યવાહી દ્વારા કરવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.