કોરોનાની મહામારી વચ્ચે માસ્ક બાદ હવે થર્મલ ગનના નામે છેતરપિંડી
અમદાવાદ: કોરોનાની મહામારી વચ્ચે પણ કેટલાક ગઠિયાઓ પોતાનો લાભ શોધી લઈને છેતરપિંડી કરતા હોય છે. અત્યાર સુધીમાં માસ્ક આપવામાં બહાને છેતરપિંડીની અનેક ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ છે. જાકે, શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં થર્મલ ગન આપવાના બહાને છેતરપિંડી થતાં પોલીસ ફરિયાદ થઈ છે.
વસ્ત્રાલમાં રહેતા કૃણાલ પંચાલ નામના વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવી છે કે, પોતે નિકોલમાં દવાના ખરીદ-વેચાણની ઓફિસ ધરાવે છે. ૫મી મેના દિવસે દિલ્હીથી સમીર નામના વ્યક્તિએ ફરિયાદીના પિતાના મોબાઈલ પર વોટ્સએપ મેસેજ કરી ટેમપરેચર ગનના ફોટો મોકલી આપ્યા હતા. જેથી તેમને આ ગનનો ભાવ પૂછતાં એક ગનના રૂપિયા ૧૩૦૦ તેમજ ૧૮ ટકા જીએસટી એમ તેમણે એક ગનની કિંમત કહી હતી.
જાકે, ફરિયાદીએ ૪૦૦ ગન ખરીદવાની તૈયારી દર્શાવતા સમીર નામના વ્યક્તિએ ૩૦ ટકા રૂપિયા એટલે કે, ૨ લાખ રૂપિયા એડવાન્સ માંગ્યા હતા.જ્યારે બીજુ પેમેન્ટ માલ મળે ત્યારે ચૂકવવા માટે કહ્યું હતું. જેથી વિશ્વાસમાં આવી ફરિયાદીએ તેના કહ્યા મુજબ ૨ લાખ રૂપિયા તેઓને મોકલી આપ્યા હતા. ત્યાર બાદ આરોપી થર્મલગનનો જથ્થો મોકલવામાં અલગ-અલગ વાયદા કરતો હતો. જેથી ફરિયાદીએ અંતે પોલીસનો સંપર્ક કરી આરોપી વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.