સંગીતક્ષેત્રે કામ કરતા કલાકારોની હાલત કફોડી
બે મહિનાના લોકડાઉનના કારણે
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: કોરોનાની મહામારીના કારણે સમગ્ર ભારતમાં બે મહિનાના લોકડાઉનને કારણે અનેક લોકોના આર્થિક બજેટોને અસર થઈ છે. લોકોએ પોતાની જીવનશૈલી બદલી દેવી પડી છે. તો ધંધા-પાણી બંધ કરી દેવાની નોબત પણ આવી છે. ઘણા લોકો તો એવા પણ છે કે તેમણે ધંધા-વ્યવસાય બદલી નાંખ્યા છે. જુદા જુદા વ્યવસાય સાથે સંકળાયેલા નાગરીકો નાગરીકો કફોડી હાલતમાં મુકાઈ ગયા છે. આપણે મ્યુઝીક સાથે સંકળાયેલા કલાકારોની વાત કરીએ તો કેટલાંક કલાકારોને રોજબરોજના જીવનનિર્વાહ માટે તકલીફ પડી રહી છે. માર્ચ-એપ્રિલ-મે મહિનામાં લગ્નગાળો હોય છે અને ગુજરાતમાં તો મોટા પ્રમાણમાં લગ્નો યોજાયા હોય છે.
તેમાં બેન્ડવાજાવાળા, ડી જે વાળા અને રાત્રીના પાર્ટી પ્લોટોમાં પાર્ટીઓમાં ગીત-સંગીતની સાથે સંકળાયેલા કલાકારો આવતા હોય છે.
બીજા બધાની જેમ આ તમામને કોરોનાના કારણે આર્થિક ફટકો પડ્યો છે. હવે આગામી મહિનાઓમાં નવરાત્રી પર્વ આવી રહ્યો છે. ઓક્ટોબર મહિનામાં શારદીય નવરાત્રીનો પ્રારંભ થનાર છે. આમ, તો નવરાત્રીને ઘણો સમય છે. પરંતુ કલાકારોને છેલ્લા બે મહિના તૈયારીઓમાં જતાં હોય છે. પણ ચાલુ વર્ષે કોરોનાની મહામારીને કારણે નવરાત્રી પર્વ ધામધૂમથી ઉજવાશે કે કેમ? તે એક મોટો સવાલ છે. જૂન મહિનો ચાલવા લાગ્યો છે.
જુલાઈમાં વરસાદી માહોલ રહેશે. ચોમાસાની ભેજની ઋતુમાં કોરોના વકરશે તેવી ચેતવણી વિશ્વના નિષ્ણાંતો આપી ચુકયા છે. તેથી કોરોનાનું ગ્રહણ નવરાત્રીમાં વિઘન નાંખશે તેને લઈને અનેક તર્કો ચાલી રહ્યા છે. કોરોનાની વેકસીન બનાવવામાં ભારત સહિત અન્ય ઘણા દેશો લાગ્યા છે. સંશોધનો થઈ રહ્યા છે. કોરોનાની વેક્સીન શોધાય તો ય તેને બજારમાં આવતા ચાર-છ મહિનાનો સમય લાગી જાય તેમ છે. અને જા રસી નહીં શોધાય તો નવરાત્રી પર તેની અસર થાય.
નવરાત્રી ધામધૂમપૂર્વક નહીં ઉજવાય તો ગુજરાત સહિત દેશના હજારો કલાકારોની હાલત કફોડી થઈ જશે. કલાકારો આખા વર્ષમાં લગ્નગાળા અને નવરાત્રી દરમ્યાન કમાતા હોય છે. જેના કારણે સમગ્ર વર્ષ તેનો ઘરખર્ચ ચાલતો હોય છે. આવી પરિસ્થિતિમાં કોરોનાને કારણે નવરાત્રી નહીં થાય તો શું થશે? તેને લઈને કલાકારો ચિંતામાં મુકાયા છે. આવકના સ્ત્રોત તરીકે નવલી નવરાત્રી પર સેક્ડો કલાકારોની આશા છે. નવરાત્રી નહીં થાય તો અનેક કલાકારો અને તેમના કુટુંબ પરનું આર્થિક સંકટ ઘેરાશે તે નિશ્ચિત છે.