અમદાવાદ સહિત આઠ મનપાની ચૂંટણી 2021માં થાય તેવા એંધાણ

અમદાવાદ (દેવેન્દ્ર શાહ) રાજ્યની અમદાવાદ સહિતની આઠ મહાનગરપાલિકાની ઓક્ટોબર માસમાં યોજાનાર ચૂંટણી 2021 માં યોજવામાં આવી શકે છે,ત્યાં સુધી વહીવટદારનું શાસન આવી શકે છે. જેના માટે કોરોનાને મુખ્ય કારણ માનવામા આવી રહ્યું છે. સાથે સાથે નવા સીમાંકન અને મતદારયાદી તૈયાર કરવા માટે ઓછો સમય રહ્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આઠ નવા વિસ્તારોના સમાવેશ બાદ નવા સીમાંકન કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હાલ 48 વૉર્ડ છે તે મુજબ જ સીમાંકન કરવા કે પછી વોર્ડની સંખ્યામાં વધારો કરીને વોર્ડદીઠ કોર્પોરેટરની સંખ્યામાં ઘટાડો કરવો તે બાબતે હજી નિર્ણય થયો નથી. નવા સીમાંકન થયા બાદ નવી મતદાન યાદી પણ તૈયાર કરવાની રહે છે.
ઓક્ટોબર મહિનામાં ચૂંટણી થયા તે પહેલાં આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. પરંતુ તેના માટે પૂરતો સમય રહ્યો નથી. વધુમાં, કોરોનાના કહેરથી કયારે મુક્તિ મળશે તે બાબત પણ અનિશ્ચિત છે. કોરોનાના કેસમાં ધટાડો થાય તો પણ સરકાર ચૂંટણી માટે જોખમ લે તેવી શક્યતા ઓછી છે. ગુજરાતમાં જો 14 દિવસ સુધી એકપણ કેસ ન આવે તો જ ચૂંટણી યોજાઈ શકે.
આ અંગે નિષ્ણાંતોના જણાવ્યા મુજબ કોરોનાના કપરા સમય દરમ્યાન મહાનગરપાલિકામા શાસકપક્ષની કામગીરી નબળી રહી છે.તેમજ ચોમાસામાં જો વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઓછી ન થાય તો વિપરીત પરિણામનો સામનો કરવો પડી શકે છે. આવા સંજોગોમાં ચાર થી પાંચ મહિના માટે વહીવટદારની નિમણૂક કરવામાં આવે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. જો કે કેટલાક લોકોના માનવા મુજબ ચૂંટણીનો વિલંબ શાસકો માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. અત્યારે જો અને તો ની સ્થિતિ છે. પરંતુ છેલ્લી પળોમાં મહોરા ગોઠવવામાં ભાજપ માહેર છે. તેથી હાલ કંઈપણ કહેવું થોડું વહેલું રહેશે તેમ જાણકારો માની રહ્યા છે.