‘હું દારૂ પીધેલો છું, મારૂ વાહન જમા લો’ કહી શખ્સે ત્રણ હોમગાર્ડ પર હુમલો કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: શહેરમાં ગુનાઓનું પ્રમાણ વધ્યુ છે. જાકે ક્રિષ્ણનગર વિસ્તારમાંથી એક અજીબો-ગરીબ કિસ્સો બહાર આવ્યો છે જેમાં મધરાત્રે પોઈન્ટ પર ઉભા રહેલા હોમગાર્ડ તરફ ધસી જઈ એક શખ્સે પોતે પીધેલો હોવાથી પકડી લેવાનું કહયું હતું. જાકે હોમગાર્ડે તેમને ઘરે જવાનું કહેતા શખ્સે તેમને ગાળો બોલી ઝપાઝપી કરી મારામારી કરીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. સમગ્ર ઘટનાની વિગત એવી છે કે કૃષ્ણનગર ચાર રસ્તા ખાતે ગત રાત્રિએ ત્રણ હોમગાર્ડ જવાન મિતેષકુમાર, હેમુ દેસાઈ તથા રોહીતસિંહ વાઘેલા હાજર હતા ત્રણે પોતાની ફરજ બજાવતા હતા.
એ સમયે ત્રણ વાગ્યાના સુમારે અચાનક જ ફુલ સ્પીડે એક્ટિવા લઈને એક શખ્સ તેમની તરફ ધસી ગયો હતો અનેએક્ટિવાની ચાવી કાઢીને હોમગાર્ડ તરફ ફેંકીને કહયું હતું કે હું દારૂ પીધેલો છુ મારી ગાડી જમા કરો.’
જેથી હોમગાર્ડે તેને ઘરે જવાનું કહેતાં આ શખ્સે તેમને બિભત્સ ગાળો બોલીને કોઈ કંઈ સમજે એ પહેલાં જ ત્રણેય હોમગાર્ડ પર હુમલો કરી ઝપાઝપી કરી હતી જેમાં તેમની વર્દી ફાટી ગઈ હતી આટલેથી ન અટકતા આ શખ્સે હું ૩૭૬ (બળાત્કાર)નો આરોપી છુ બધા કાયદા જાણું છુ તમે મારું શુ બગાડી લેશો કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી.
આ ઘટનાની જાણ તેમણે પોતાના ઉપરી તથા પોલીસને કરતાં પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી અને શખ્સ વિરૂધ્ધ ફરીયાદ દાખલ કરી હતી મળતી વિગતો અનુસાર હોમગાર્ડને માર મારી ધમકીઓ આપનાર શખ્સ નવા નરોડાના વિકટોરીયા પોઈન્ટ નજીક રહેતો ચિરાગ રણછોડભાઈ પ્રજાપતિ હોવાનું બહાર આવ્યું છે.