અમદાવાદમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો: મંગળવારે 230 કેસ નોંધાયા
અમદાવાદ, (દેવેન્દ્ર શાહ) અમદાવાદ શહેરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. અનલોક1 દરમ્યાન 20 જૂન સુધી દૈનિક સરેરાશ 295 જેટલા પોઝિટિવ કેસ આવતા હતા.જેની સામે છેલ્લા ચાર દિવસમાં દૈનિક સરેરાશ 266 જેટલા જ કેસ નોંધાયા છે. 20 જૂન થી 23 જૂન સુધી પોઝિટિવ કેસની સામે ડિસ્ચાર્જ કરવામાં આવેલા દર્દીઓની સંખ્યા વધુ છે. શહેરમાં મંગળવારે કોરોનાના 230 કેસ નોંધાયા છે જે ચાલુ માસમાં સૌથી ઓછા કેસ છે.
શહેરમાં અનલોક1ના પ્રથમ 19 દિવસ આતંક મચાવ્યા બાદ કોરોનાનો કહેર ઓછો થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસ દિવસથી કોરોના પોઝીટીવ કેસની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે.જયારે ડિસ્ચાર્જ પેશન્ટની સંખ્યા વધી રહી છે.અમદાવાદમાં 20 જૂને કોરોનાના 288, 21 જૂને 260, 22 જૂને 287 તેમજ 23 જૂને 230 કેસ નોંધાયા છે. આમ, છેલ્લા ચાર દરમ્યાન 1070 કેસ જાહેર થયા છે. જેની સામે 20 જૂને 401, 21 જુને 407, 22 તારીખે 390 અને 23 જુને 381 મળી કુલ 1579 દર્દીઓને રજા આપવામાં આવી છે.
શહેરમાં સોમવારે કોરોનાના 288 કેસ નોંધાયા હતા. જે પૈકી મધ્યઝોનમાં 25, પશ્ચિમઝોનમાં 71, ઉતરપશ્ચિમમાં 30, દક્ષિણ પશ્ચિમમાં 28, પૂર્વઝોનમાં 49, ઉતરઝોનમાં 44 અને દક્ષિણ ઝોનમાં 41 કેસ નોંધાયા હતા. સોમવારે 288 પોઝીટીવ કેસ સામે 390 દર્દીઓને રજા આપવામાં આવી હતી. જેમાં ઉતરઝોનમાં સૌથી વધુ 134, પૂર્વઝોનમાં 89 અને પશ્ચિમઝોનમાં 92 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.