સોનુના આરોપ પર ભૂષણકુમારની પત્નીએ આપ્યો જવાબ
મુંબઈ: બોલિવૂડ ગાયક સોનુ નિગમ દ્વારા ભૂષણકુમારને એક્સપોઝ કરતો વીડિયો સામે આવ્યા બાદ તેના પરિવાર તરફથી પ્રતિક્રિયા સામે આવી રહી છે. ભૂષણકુમારની પત્ની દિવ્યા ખોસલા કુમારે જવાબ આપતા સોનુ નિગમની ઝાટકણી કાઢી છે.
દિવ્યાએ પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, “ આજકાલ બધુ કેમ્પેઈન ચલાવવા માટે જ છે. હું જાઈ રહી છું લોકો જૂઠને પણ વેચી દે છે અને પોતાનું સશક્ત કેમ્પેઈન ચલાવી શકે છે. સોનુ નિગમ જેવા લોકો સારી રીતે જાણે છે કે, લોકોના માઈન્ડ સાથે કેવી રીતે રમવું છે ? ભગવાન આપણા સંસાર ને બચાવે”
અન્ય એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં દિવ્યાએ લખ્યું છે કે, “સોનુ નિગમ ટી-સિરીઝે તમને ઈન્ડસ્ટ્રીમાં બ્રેક આપ્યો અને તમને આગળ વધાર્યા. જા તમને આટલો જ ગુસ્સો હતો ભૂષણથી તો પહેલા કેમ કંઈ ના બોલ્યા ? આજે પબ્લિસિટી માટે આવું કેમ કરી રહ્યાં છો ? તમારા પિતાજીના મેં પોતે એટલા વીડિયો ડિરેક્ટ કર્યા છે, જે માટે તેઓ હંમેશા આભારી રહ્યાં હતા. અચ્છા સિલા દિયા તુને મેરે પ્યાર કા”
અગાઉ સોનૂ નિગમે એક વીડિયો શેર કરીને ભૂષણ કુમાર પર સનસનીખેજ આરોપ લગાવ્યા હતા. સોનુએ વીડિયોમાં કહ્યું હતું કે, “તે દિવસો યાદ કરો,
જ્યારે તેઓ (ભૂષણ કુમાર) તેમની પાસે લોકો પાસે પોતાનો ઈન્ટ્રો કરાવવા માટે આવતા હતા. લોકોને મળાવવા માટે કહેતા હતા. સોનુએ ભૂષણ કુમારના એક વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો છે. જેને તેમણે પોતાની યુ-ટ્યૂબ ચેનલ પર અપલોડ કરવાનું કહ્યું છે.”
ઉલ્લેખનીય છે કે, અગાઉ સોનુ નિગમે પોતાના પ્રથમ વીડિયોમાં મ્યૂઝીક ઈન્ડસ્ટ્રીઝમાં મોટા માફિયાઓ હોવાનું જણાવ્યું હતું. સોનુએ કહ્યું હતું કે, મ્યૂઝીક ઈન્ડસ્ટ્રીઝને બે લોકો-બે કંપનીઓ કંટ્રોલ કરે છે. આજ લોકો નક્કી કરે છે કે, કોણ ગાશે અને કોણ નહીં ? શું રેડિયો પર વાગશે અને શું ફિલ્મોમાં આવશે ?
આ સાથે જ સોનુએ મ્યૂઝીક કંપનીઓને ભલામણ કરી હતી કે, નવા લોકોને તક આપે. ક્યાંક એવું ના થાય, કે તેઓ કંટાળીને મોતને વ્હાલું કરે. બીજી તરફ સંગીત સાથે સંકળાયેલા કેટલાક કલાકારોએ સોનુ નિગમના મ્યૂઝીક ઈન્ડસ્ટ્રીઝમાં માફિયા વાળા નિવેદન પર વાંધો ઉઠાવ્યો છે.