અમદાવાદમાં કોરોનાનું જોર ઘટ્યુંઃ ગુજરાતમાં સંક્રમિતોની સંખ્યામાં વધારો
અમદાવાદ: ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે અમદાવાદમાં જીવલેણ વાયરસનું જાેર ઓછું થઈ રહ્યું છે. રાજ્યમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, પરંતુ અમદાવાદમાં છેલ્લા બે દિવસથી કેસ દરરોજની સરખામણીમાં ઘટી રહ્યાં છે.
ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૫૭૨ નવા કેસો સામે આવ્યા છે. જેમાં અમદાવાદમાં જ ૨૧૫ કેસ નોંધાયા છે. આ સિવાય મંગળવારે પણ શહેરમાં ૨૩૫ નવા કેસો સામે આવ્યા હતા. આમ છેલ્લા ૨ દિવસથી શહેરમાં કોરોનાના નવા કેસો ઘટી રહ્યાં છે. અગાઉ ૨૮ એપ્રિલે ૧૬૪ કેસ નોંધાયા હતા, આમ ૫૬ દિવસ બાદ કોરોનાના કેસોમાં ઘટાડો થઈ રહ્યો છે.
જો કોરોનાના કારણે મૃત્યુની વાત કરીએ તો, અમદાવાદમાં સંક્રમિતોની સંખ્યા ઘટવાની સાથે મરણનો આંકડો પણ નીચે આવ્યો છે. શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ મરણ નોંધાયા છે. આમ સતત બીજા દિવસે પણ શહેરમાં મરણનો આંકડો ઘટ્યો છે. છેલ્લે ૧૬ મેના રોજ અમદાવામાં ૧૪ લોકોના કોરોનાના કારણે મરણ નોંધાયા હતા. જે બાદ ૩૭ દિવસ બાદ શહેરમાં મૃત્યુઆંક ઓછો આવ્યો છે.
અમદાવાદમાં મે મહિનામાં ૯,૧૫૪ જેટલા કોરોનાના પોઝિટિવ કેસો સામે આવ્યા હતા. જ્યારે જૂન મહિનામાં અત્યાર સુધી ૭૪૨૧ કેસો નોંધાયા છે.
આ રીતે છેલ્લા બે દિવસ ના કોરોના સંક્રમિતોની સંખ્યા દર્શાવી રહી છે કે, અમદાવાદમાં કોરોનાની સ્થિતિ સુધરી રહી છે.
જણાવી દઈએ કે, રાજ્યમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા ૨૯ હજારને પાર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધી જીવલેણ વાઈરસ રાજ્યમાં ૧૭૩૬ લોકોને ભરખી ચૂક્યો છે.