ફિક્કી ફ્લો અમદાવાદે ‘હાઉ ટુ બી અ સ્માર્ટ ટ્રાવેલર પોસ્ટ કોવિડ-19’ વિષય ઉપર વેબીનાર યોજ્યો
અમદાવાદ, ફિક્કી ફ્લો અમદાવાચ ચેપ્ટર તેના સભ્યો માટે માહિતીસભર સત્રોનું આયોજન કરવા માટે જાણીતું છે. આ અભિગમને આગળ ધપાવતા તાજેતરમાં ‘હાઉ ટુ બી અ સ્માર્ટ ટ્રાવેલર પોસ્ટ કોવિડ-19’ વિષય ઉપર ઉંડાણપૂર્વકની જાણકારી પ્રદાન કરતાં સત્રનું આયોજન કરાયું હતું, જેમાં ફિક્કી ફ્લો અમદાવાદ ચેપ્ટરના ચેરપર્સન તરૂણા પટેલ અને કમીટીના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. જાણીતા ટ્રાવેલ એક્સપર્ટ શોભા મોહન (રેર ઇન્ડિયાના ફાઉન્ડિંગ પાર્ટનર) દ્વારા સત્ર ડિલિવર કરાયું હતું.
વૈશ્વિક મહામારીમાં સૌથી અસરગ્રસ્ત ઉદ્યોગોમાં ટ્રાવેલ અને ટુરિઝમ ઉદ્યોગ પણ સામેલ છે. નજીકના સમયમાં આ ઉદ્યોગ માટે ઘણી નીતિઓ અને શરતોમાં નોંધપાત્ર પરિવર્તન આવે તેમાં કોઇ આશ્ચર્ય નથી. આ ઇન્ટરેક્ટિવ સેશનમાં ફ્લોના સભ્યોએ કોવિડ પછીના ટ્રાવેલ ટ્રેન્ડ્સ કેવા હશે તેના ઉપર ચર્ચા કરી હતી તેમજ રિસ્પોન્સિબલ અને સસ્ટેનેબલ ટુરિઝમના ખ્યાલ અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી, જે રેર ઇન્ડિયાના પાયાનો મુખ્ય આધાર છે.
આ સત્રમાં શોભા મોહન (રેર ઇન્ડિયાના ફાઉન્ડિંગ પાર્ટનર)એ ટ્રાવેલ અને ટુરિઝમ સંબંધિત વિવિધ પાસાઓ ઉપર પ્રકાશ પાડ્યો હતો. સસ્ટેનેબલ માર્કેટ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, “ઘણી ઔદ્યોગિક તકો સાથે તે ટકાઉ માર્કેટ છે. લોકો તેમાં પ્રાચિન અભિગમ અપનાવી શકે છે, જે ટ્રાવેલ ઉદ્યોગ માટે આશ્ચર્ય પેદા કરી શકે છે. વાસ્તવિક ભારતને અનુભવવાની ઘણી રીત છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “સિંગલ-યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવો, કચરાના સુરક્ષિત નિકાલ, પાણીના સ્રોતોની જાળવણી, વન્યજીવો અને જંગલોની સાચવણી, પ્રવાસનને ન્યૂનતમ અસર, ક્રાફ્ટ, આર્ટ, ફોક અને કૃષિ પેદાશોને પ્રોત્સાહન આપીને સ્થાનિક સમુદાયને સાંકળવા, સ્થાનિક તહેવારો અને ડેસ્ટિનેશન ડિસ્કવર કરવા વગેરે રિસ્પોન્સિબલ અને સસ્ટેનેબલ ટુરિઝમના કેન્દ્રમાં છે.”
તેમણે અમદાવાદની આસપાસના શ્રેષ્ઠ સ્થળો અંગે પણ જાણકારી આપી હતી. વડોદરા પાસે કાઠીવાડા રાજ મહેલ, ઉદેપુર પાસે દેવીગઢ, રાજસ્થાનમાં રાણકપુર વગેરે સારા સ્થળો છે. ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં પ્રવાસનની અપાર સંભાવનાઓ છે, જેમાં શાંતિ અને આનંદને પસંદ કરતાં પ્રવાસીઓ માટે ઇનડોર લક્ઝરી તથા ગીચ જંગલોના ડેસ્ટિનેશન સામેલ છે.
તેમણે વિવિધ રાજ્યોના ટુરિઝમ કેમ્પેઇન વિશે પણ વાત કરી હતી, જેમકે મધ્ય પ્રદેશ સરકાર દ્વારા ‘ભારત કા દિલ દેખો’, ગુજરાત સરકારનું ‘કુછ પલ તો ગુજારો ગુજરાત મેં’ અને ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ અને ભારત સરકારનું ‘દેખો અપના દેશ’ કેમ્પેઇન. આ કેમ્પેઇનનો ઉદ્દેશ્ય ભારતમાં સ્થાનિક પ્રવાસનને બળ આપવાનો તથા પ્રવાસીઓનું ધ્યાન આકર્ષિત કરવાનો છે.