ગોધરામાં મૂક બધિર બાળકોએ બનાવેલ રાખડીઓનો સ્ટોલનો શુભારંભ
ગોધરા, જિલ્લા વિકાસ અધિકારી એ.જે.શાહે જિલ્લા પંચાયતકચેરી ખાતે ગાંધી બહેરા મૂંગા વિદ્યાલયના બાળકોએ બનાવેલ રાખડીઓનો સ્ટોલ ખુલ્લો મૂક્યો હતો. તેમણે સ્ટોલના પ્રથમ ગ્રાહક બનીને રાખડીઓની ખરીદી કરી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે આ દિવ્યાંગ બાળકોએ બનાવેલ રાખડીઓ તેમનામાં રહેલા હુન્નર કૌશલ્યને પ્રતિબિંબત કરે છે અને તેઓ સ્વસશક્તિકરણની દિશામાં આગળ વધી રહ્યા છે ત્યારે તેમને સહયોગ આપવો આપણી નૈતિક ફરજ છે. તેમણે જિલ્લા પંચાયતના તમામ કર્મચારીઓને આ બાળકોની રાખડીઓ ખરીદવા અપીલ કરી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ રાજપાલ સિંહ જાદવે બાળકોની કળાના વખાણ કરતા જણાવ્યું હતું કે બાળકોનો આવો સુંદર પ્રયાસ મોટેરાઓને પણ પ્રેરણા પૂરી પાડનારો છે. શાળાના શિક્ષક હિરેનભાઈ ગોહિલે આ બાબતે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયત ખાતે શરૂ થયેલા સ્ટોલને ખૂબ સારો પ્રતિભાવ મળ્યો છે અને દિવસના અંતે અંદાજિત રૂ.૧૬,૦૦૦ની કિંમતની રાખડીઓનું વેચાણ થયું છે. બાળકો પણ તેમના સર્જનને મળેલા સારા પ્રતિસાદથી ઉત્સાહિત જણાયા છે.
બાળકોએ બનાવેલી આ રાખડીઓની કિંમત રૂ.૧૫ થી શરૂ કરીને રૂ.૪૦ સુધીની રાખવામાં આવી છે. કલેકટર કચેરીમાં દર સોમવાર અને ગુરૂવારે તેમજ જિલ્લા પંચાયતમાં દર ગુરૂવારે આ બાળકોએ બનાવેલ રાખડીઓનું વેચાણ થશે. આ ઉપરાંત, પહેલી ઓગસ્ટથી જિલ્લા પોલિસ વડાની કચેરી ખાતેથી પણ વેચાણ થશે. રાખડીઓના વેચાણ ઉપરાંત જો કોઈએ રાખડી કુરિયર કરવી હોય તો સ્ટોલ પરથી સીધા કુરિયર કરી શકાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
સરકારી અધિકારી, કર્મચારીઓ ઉપરાંત ગોધરાના શહેરીજનો પણ બાળકોએ બનાવેલી રાખીઓ ખરીદી તેમને પ્રોત્સાહિત કરે તેવી વિનંતિ પણ જિલ્લાના વડાઓ દ્વારા કરવામાં આવી છે.