Western Times News

Gujarati News

પાટનગરમાં સરકારી આવસોનું લોકાર્પણ કરવામાં આવ્યું

ગાંધીનગર: ગાંધીનગરના સેક્ટર ૩૦ ખાતે માર્ગ-મકાન વિભાગ દ્વારા રૂ. ૬૪ કરોડના ખર્ચે નવનિર્મિત બી-કેટેગરીના સરકારી આવાસોના ‘વીર સાવરકરનગર’નું નાયબ મુખ્ય મંત્રીએ લોકાર્પણ કર્યું હતું. વિનાયક દામોદર સાવરકર ભારતીય સ્વતંત્રતા આંદોલનના અગ્રિમ હરોળના સક્રિય કાર્યકર અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા. આઝાદીની ચળવળમાં જેમની મહત્વની ભુમિકા રહી છે તેવા વીરપુરુષની સ્મૃતિ સ્વરૂપે આ આવાસનું નામ ‘વીર સાવરકરનગર’ રાખવામાં આવ્યું હોવાનું તેમણે ઉમેર્યુ હતું. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકારમાં કાર્યરત અધિકારી-કર્મચારીઓને અત્યાધુનિક સુવિધા સાથેના સરકારી આવાસો પૂરા પાડવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે રાજ્ય સરકારે રાજ્ય સરકારના વર્ગ-૧ થી વર્ગ-૪ સુધીના તમામ કર્મચારીઓને સુંદર સુવિધાવાળા સરકારી આવાસો પુરા પાડવા માટે સઘન આયોજન કર્યું છે.

રાજ્યમાં છેલ્લાં પાંચ વર્ષમાં રૂ. ૮૦૮ કરોડના ખર્ચે ૩૦૪૧ ક્વાર્ટસ પૂર્ણ કરી કર્મચારીઓને ફાળવી દેવાયા છે. જયારે રૂ. ૪૦૨ કરોડના ખર્ચે ૧૫૬૮ ક્વાર્ટસના કામો પ્રગતિ હેઠળ છે. જેના ભાગરૂપે આજે આ આવાસોનું લોકાર્પણ કરાયું છે. તેમણે કહ્યું હતું કે, રૂપિયા ૬૪ કરોડના ખર્ચે નિર્મિત આ વીર સાવરકરનગરમાં ૧૨ બ્લોકમાં સાત માળમાં ૩૩૬ યુનિટનું નિર્માણ કરાયું છે. પ્રત્યેક યુનિટમાં ૬૯.૮૦ ચો.મી. બિલ્ટ અપ એરિયા અને ૫૯.૪૯ ચો.મી.નો કારપેટ એરિયા ઉપલબ્ધ છે. દરેક યુનિટમાં ડ્રોઈંગરૂમ, બેડરૂમ, સ્ટડી રૂમ, કિચન, બાથરૂમ, ટોયલેટ, વોશ એરિયા અને બાલ્કનીનો સમાવેશ થાય છે. દરેક બ્લોકમાં બે લિફ્‌ટની જોગવાઈ સાથે આંતરિક સી.સી.રોડ, ર્પાકિંગ, કોમન પ્લોટ વિથ ગાર્ડન, અંડર ગ્રાઉન્ડ સમ્પ, પાણીનો બોર, રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને ફાયર ફાઈટિંગ સિસ્ટમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ ટોકન સ્વરૂપે ૧૧ લાભાર્થીઓને મકાનના હુકમો એનાયત કરીને તેમને શુભેચ્છા આપી હતી અને આજથી જ તેઓ તેમના પરિવાર સાથે રહેવા આવી શકશે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે કહ્યું કે ગાંધીનગર શહેરમાં ૮૪૦થી વધુ સરકારી આવાસોના નિર્માણ માટેના કામો પ્રગતિ હેઠળ છે જે આગામી ડિસેમ્બર અંતમાં પૂર્ણ થવાની શક્યતા છે. અગાઉ પણ અમદાવાદ ખાતે ૧૦૦૦ જેટલા ક્વાર્ટસનું ઉદ્ઘાટન કરીને કર્મચારીઓને સોંપી દેવામાં આવ્યા છે. એ જ રીતે અમદાવાદ શહેરમાં પણ ૩૩૦ ક્વાર્ટસના કામો પ્રગતિ હેઠળ છે. સમગ્ર રાજ્યમાં વિવિધ જિલ્લા અને તાલુકાકક્ષાએ પણ સરકારી કર્મચારીઓને આવાસની સુવિધા મળી રહે એ માટે નવા આવાસોના નિર્માણની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. તે પણ ટૂંક સમયમાં પૂર્ણ કરીને કર્મીઓને ફાળવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.