૨૯ જૂનથી ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટોનું વિતરણ કરાશે
ગાંધીનગર: ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું ઓનલાઈન પરિણામ આવ્યાં બાદ હવે વધુ તેને લઈને એક સમાચાર આવ્યાં છે. ઓનલાઇન પરિણામ બાદ હવે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહની માર્કશીટ આગામી તારીખ ૨૯ જૂનથી વિતરણ કરવામાં આવશે. તેની માર્કશીટનું વિતરણ સ્કૂલવાર કરવામાં આવશે. કોરોના મહામારીનાં સંકટને કારણે પરિણામ વિતરણ જિલ્લાનાં કેન્દ્ર પરથી કરવાનું નથી. પરંતુ તાલુકાવાર કરવાનું રહેશે.
નોંધનીય છે કે, તારીખ ૧૫ જૂનનાં રોજ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઓનલાઈન જાહેર કરવામાં આવ્યું હતું. જેની માર્કશીટ આજે તાલુકાવાર અને સ્કૂલવાર મોકલવામાં આવી છે. આ માર્કશીટનું સમયસર વિતરણ થાય તે માટે મોડામાં મોડી ૨૮ જૂન સુધીમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે માર્કશીટો મોકલી દેવામાં આવશે. બાદમાં ૨૯ જૂનથી માર્કશીટનું વિતરણ કરવામાં આવશે પરંતુ એમાં પણ કોરોનાને લઈને સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખતા વિદ્યાર્થીઓને એક સાથે સ્કૂલમાં બોલાવવામાં નહીં આવે.
જિલ્લા શિક્ષણાધિકારી તાલુકા દીઠ માર્કશીટ મોકલાવશે. તાલુકા કક્ષાએ માર્કશીટનાં વિતરણની વ્યવસ્થા ગોઠવવી પડશે. જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેનેટાઈઝની સુવિધા તથા તાલુકા શાળાઓની સંખ્યાને ધ્યાને લઈ ઓછી ભીડ થાય તે પ્રમાણેની વ્યવસ્થા કરવી પડશે. આ સાથે સાથે ગરબા કે સરઘસનું આયોજન ન થાય તેનું ધ્યાન રાખવા અંગેની પણ વિનંતિ કરવામાં આવી છે.