Western Times News

Gujarati News

આણંદના ખંભાતમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી

સોશિયલ મીડિયામાં આગના અનેક ફોટો જાહેર થયા છે, જેમાં આગનું વિકરાળ રૂપ-ધૂમાડાના ગોટેગોટા દેખાય છે
ખંભાત,  ગુજરાતના ઔદ્યોગિક વિસ્તારોમાં છેલ્લા એક અઠવાડિયાથી આગના બનાવો વધી ગયા છે, ત્યારે આજે વધુ એક બનાવ આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે. આણંદ જિલ્લાના ખંભાત સ્થિત જીઆઈડીસીમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી છે. આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત કરી રહ્યો છે. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી મળ્યા.

સોશિયલ મીડિયામાં કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગના કેટલાક ફોટો જાહેર થયા છે. જેમાં આગનું વિકરાળ રૂપ અને ધૂમાડાના ગોટેગોટા ઉડતા જોઈ શકાય છે. આ આગ કંઈ રીતે લાગી ? તેની જાણકારી હજુ સુધી થઈ શકી નથી. આ આગની જાણ થતાં જ સ્થાનિક લોકોમાં દોડધામ મચી હતી, ફેક્ટરી બહાર લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. હાલ ઘટના સ્થળની આસપાસના ઘરોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. પોલીસ પણ લોકોને ત્યાંથી હટાવવા મથી રહી છે.

ફાયર વિભાગ દ્વારા હજુ આગ પર કાબૂ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, તાજેતરમાં અમદાવાદની સાણંદ જીઆઈડીસીમાં પણ ડાયપર બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી. આ આગને ઓલવવા માટે ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. આ ઉપરાંત એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરાઈ હતી. આ સિવાય ગઈકાલે વલસાડ સ્થિત સરીગામ જીઆઈડીસીમાં આવેલી ફેક્ટરીમાં પણ આગની ઘટના બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.