સેટેલાઈટના શ્યામલ રો હાઉસમાંથી હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ઝડપાયું
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન બાદ અનલોક-૧ દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ છુટછાટો આપવામાં આવી છે જેના પગલે ગુનાહિત પ્રવૃતિમાં પણ સતત વધારો થઈ રહયો છે શહેરમાં ચોરી, લુંટફાટની ઘટનાઓ વચ્ચે દારૂની હેરાફેરી પણ વધવા લાગી છે જેના પગલે પોલીસતંત્ર હાઈએલર્ટ પર છે આ દરમિયાનમાં શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા જાણીતા શ્યામ રો હાઉસમાં વિદેશી યુવતિઓને લાવી હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલતુ હોવાની મહિલા ક્રાઈમબ્રાંચને માહિતી મળતા જ ગઈકાલે બપોરે દરોડો પાડી સંચાલિકા સહિત ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે
ભાડેથી મકાન રાખી છેલ્લા ઘણા સમયથી આ ગોરખધંધો કરવામાં આવી રહયો હતો પકડાયેલો એક આરોપી દિલ્હીથી વિદેશી યુવતિઓને લાવી સેક્સ રેકેટ ચલાવતો હતો.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાંથી દારૂ જુગાર સહિતની ગુનાહિત પ્રવૃતિઓ ડામી દેવા માટે પોલીસતંત્ર સક્રિય બન્યું છે જેના પગલે શહેરમાં સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને બુટલેગરો પર નજર રાખવામાં આવી રહી છે. શહેરમાં પોલીસતંત્ર સક્રિય બનતા કેટલાક બુટલેગરોએ હોમ ડીલીવરી શરૂ કરી છે આ દરમિયાનમાં ક્રાઈમબ્રાંચ પણ એલર્ટ થઈ ગયું છે.
શહેરના સેટેલાઈટ વિસ્તારમાં આવેલા શ્યામલ રો હાઉસમાં સતત શંકાસ્પદ શખ્સોની હિલચાલ થઈ રહી હોવાની માહિતી મહિલા ક્રાઈમબ્રાંચને મળી હતી જેના પગલે વોચ ગોઠવવામાં આવી હતી અને આ દરમિયાન માહિતી મળી હતી કે શ્યામલ રો હાઉસ વિભાગ-ર માં એક મકાનની અંદર હાઈ પ્રોફાઈલ સેક્સ રેકેટ ચાલી રહયું છે.
મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ આ મકાન અંગે તપાસ કરતા છેલ્લા ઘણા સમયથી આ મકાન ભાડે રાખી આરોપીઓ આ ગોરખધંધો ચલાવતા હતા જેના પગલે મહિલા ક્રાઈમબ્રાંચના એસીપી કે.એમ. જાસેફની આગેવાનીમાં એક ટીમ બનાવવામાં આવી હતી અને ગઈકાલે બપોરે શ્યામલ રો હાઉસમાં દરોડો પાડતા સ્થાનિક નાગરિકોમાં ચકચાર મચી ગઈ હતી મહિલા ક્રાઈમબ્રાંચના અધિકારીઓએ મકાનમાં તપાસ કરતા એક વિદેશી યુવતિ તથા અન્ય ત્રણ વ્યક્તિઓ જાવા મળી હતી અધિકારીઓએ ઉઝબેકિસ્તાનની આ યુવતિની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે તે રેફયુજી તરીકે ભારતમાં રહેતી હતી અને તે દિલ્હીથી લોકડાઉન પહેલા જ અમદાવાદમાં આવી ગઈ હતી.
તપાસ કરતા આ સમગ્ર સેકસ રેકેટ એક યુવતિ ચલાવતી હતી તેની પણ સ્થળ પરથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી આરોપીઓની પુછપરછ કરતા જાણવા મળ્યુ હતું કે આ સેકસ રેકેટમાં સંડોવાયેલા જય મકવાણા નામનો શખ્સ દિલ્હીથી યુવતિઓને અમદાવાદ લાવતો હતો અને તુષાર પટેલ નામના શખ્સની પત્નિ આ યુવતિઓને રાખી લોહીનો વહેપાર કરાવતી હતી પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને આ અંગે પુછપરછ કરતા કેટલીક મહત્વપૂર્ણ વિગતો જાણવા મળી રહી છે.