ટિકટોક સહિત ૫૯ ચીની એપ પર ભારતમાં પ્રતિબંધ

નવીદિલ્હી: ભારત અને ચીન વચ્ચે તણાવને લઇને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકારે ૫૯ ચાઈનીઝ એપ પર રોક લગાવવાનો નિર્ણય કર્યો છે. પ્રતિબંધિત કરાયેલી એપમાં ખુબ જ જાણિતી ટિકટોક એપનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત યુઝી બ્રાઉઝર, કેમ સ્કેનર જેવી અનેક જાણિતી એપો સામેલ છે. આ અગાઉ ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઇનીઝ એપની એક યાદી તૈયાર કરીને કેન્દ્ર સરકારને એ તમામને પ્રતિબંધિત કરવા તથા લોકોને આ એપ હટાવી દેવા અપીલ કરી હતી. આની પાછળ એવી દલીલ અપાઈ હતી કે, ચીન આના થકી ભારતીય ડેટા હેક કરી શકે છે. ભારત અને ચીનની વચ્ચે તણાવની સ્થિતિ છે ત્યારે બંને દેશની સેનાઓ સામ સામે ઉભી છે.
આ દરમિયાન મોટુ પગલું લઇને સ્પષ્ટ કરી દેવાયું છે કે, ભારત કોઇપણ સ્તરે ઝુકશે નહીં. કેન્દ્ર સરકારે ૫૯ એપ ઉપર પ્રતિબંધ લગાવી દીધો છે. એમાની કેટલીક એપ એવી છે કે, જે તમને મોબાઇલમાં આસાનીથી મળી જાય છે. સુત્રો દ્વારા મળેલી માહિતી મુજબ પ્રૌદ્યોગિકી મંત્રાલયે અનેક ફરિયાદો મળી રહી હતી. આ એપ્સ ભારતીય સુરક્ષા અને અખંડિતતા પર ઘાતક હુમલો કરી રહી હતી. ચીન આ એપની મદદથી ભારતની એકતા સામે છેડછાટ કરી શકે તેમ હતું.
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ સરકારને આ એપની યાદી અગાઉથી સોંપી દીધી હતી. તે પછી સરકારે તેના સ્તર પર આ એપની માહિતી મેળવી અને જ્યારે તેને લાગ્યું કે ખરેખર આ એપ ભારતીય સુરક્ષા માટે ખતરા સમાન છે ત્યારે તેણે તેના પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય કર્યો હતો.