પ્રધાનમંત્રી સીવણ કલાસીસ કેન્દ્રના નામે વેપારી સાથે રૂ. ૧.૯૮ લાખની ઓનલાઈન ઠગાઈ
અમદાવાદ: પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રના કર્મચારી તરીકે ઓળખ આપી રેડીમેડ કપડાના વેપારી સાથે ઠગે રૂ.૧.૯૮ લાખની ઓનલાઈન ઠગાઈ આચરી હતી. વેપારીને પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્ર તરફથી તમને રૂ.૧૮૦૦નો પુરસ્કાર, પ્રમાણપત્ર અને સિલાઈ મશીન મળવાપાત્ર થયાનું ઠગે જણાવ્યું હતું. બાદમાં વેપારી પાસેથી બેન્ક ખાતાની ડિટેઈલ, આધાર કાર્ડ અને ઓટીપી નંબર લઈ આરોપીએ ફ્રોડ કર્યું હતું.
આ મામલે શહેરના એસજી હાઈવે પર સોલા સિવિલ હોસ્પિટલની પાછળ ગણેશધામ બંગલોમાં રહેતાં અને ઘાટલોડીયા પ્રભાતચોક પાસે પૂજન સિલેક્શનના નામે કપડાનો શો-રૂમ ચલાવતા વેપારી જીકેન ઉપેન્દ્ર પટેલે સોલા પોલીસ સ્ટેશનમા સોમવારે રાત્રે ફરીયાદ કરી છે. આ ફરિયાદ મુજબ, ગત તારીખ ૨૫મી જૂનના રોજ જીકેન પર અજાણ્યા નંબરથી મિસકોલ આવ્યો હતો. જીકેને ફોન કરતાં સામે છેડેથી બોલતા વ્યક્તિએ પોતાની ઓળખ સુરેશ પટેલ તરીકે આપી હતી.
સુરેશે હું પ્રધાનમંત્રી સીવણ કલાસીસ તાલીમ કેન્દ્રમાંથી બોલું છું. તમને કેન્દ્ર તરફથી સિલાઈ મશીન, પ્રમાણપત્ર અને રૂ.૧૮૦૦ મળવાપાત્ર છે, પણ તમારું એકાઉન્ટ કાલુપુર કો.ઓ બેન્કમાં હોવું જાઈએ તેમ કહ્યું હતું. આરોપીએ બાદમાં જીકેન પાસે બેંક પાસબુકની ડિટેઇલ અને આધારકાર્ડની વિગતો માંગતા જીકેને પોતાના પિતાની બેન્ક ડિટેઈલ મોકલી આપી હતી.
થોડીવાર બાદ આરોપીએ તમે જે બન્ક ડિટેઈલ મોકલી તેમાં રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર ઓટીપી આવશે જે મને તત્કાલ મેસેજ કરવો પડશે. આથી જીકેને તેના પિતાના મોબાઈલ પર આવેલા ઓટીપી નંબર મોકલી આપ્યા હતાં. આરોપીએ ફરી ફોન કરી જણાવ્યું કે, તમારા ઘરે મશિન ડિલિવરી થઈ જશે અને પ્રવીણાબહેનનો ઓનલાઈન બારકોડ સિસ્ટમ દ્વારા થમ્બ લેવામાં આવશે તેમ જણાવી મૌખિક કોડ નંબર આપ્યો હતો.
જીકેનના પિતાએ મોબાઈલ ચેક કરતા તેમના ખાતામાંથી ૯૯ હજારના બે ટ્રાન્જેક્શન થયાના મેસેજ આવ્યા હતા. આ અંગે જીકેન પટેલે ફોન કરનાર વ્યક્તિને કોલ કરતા કોઈ જવાબ મળ્યો નહોતો. આખરે તેઓને છેતરાયાનું ભાન થતાં આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.