શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ એક્ટીવ કેસ :મધ્યઝોન કોરોનામુક્ત તરફ
અમદાવાદ (દેવેન્દ્ર શાહ): અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ અને મૃત્યુની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. ખાસ કરીને, એક સમયે દેશભરમાં જ્યાં સૌથી વધુ મૃત્યુદર હતો તેવા મધ્યઝોનમાં કોરોના વિદાય લઈ રહ્યો હોય તેવા સંકેત જોવા મળી રહ્યા છે
28 જુલાઈએ મધ્યઝોનમાં કોરોનાના માત્ર એક જ કેસ અને એક જ મૃત્યુ નોંધાયા હતા. જયારે 29 જૂને મધ્યઝોનમાં એકપણ દર્દીનું મૃત્યુ થયું નથી. 29 જૂને ત્રણ ઝોનમાં કોઈ જ મરણ નોંધાયા નથી. જયારે પશ્ચિમના વિસ્તારમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે.
શહેરનો કોટવિસ્તાર ધીમે ધીમે કોરોનામુક્ત થઈ રહ્યો છે. મધ્યઝોનમાં હાલ માત્ર 190 એક્ટિવ કેસ છે. 29 જૂને ઝોનમાં નવા 8 કેસ નોંધાયા છે. જેની સામે 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 28 જૂને કોટવિસ્તારમાં માત્ર એક જ કેસ નોંધાયો હતો. મધ્યઝોનમાં માર્ચથી 29 જૂન સુધી 4015 કન્ફર્મ થયા છે જે પૈકી 3466 દર્દીઓ સાજા થઈ ગયા છે જયારે 359ના મૃત્યુ થયા છે. કોટવિસ્તારમાં જૂન માસ દરમ્યાન 773 કેસ નોંધાયા છે.
અનલોક1 દરમ્યાન પશ્ચિમના વિસ્તારમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. શહેરમાં 29 જૂને નોંધાયેલ કોરોના કેસ પૈકી લગભગ 62 ટકા કેસ પશ્ચિમ વિસ્તારમાં કન્ફર્મ થયા છે. જેમાં પશ્ચિમઝોનમાં 50, ઉતરપશ્ચિમ ઝોનમાં 54 અને દક્ષિણપશ્ચિમઝોનમાં 35 કેસ નોંધાયા છે.જયારે ઉતરઝોનમાં 19, પૂર્વઝોનમાં 32 અને દક્ષિણઝોનમાં 24 કેસ જાહેર થયા છે. શહેરમાં સૌથી વધુ 652 એક્ટિવ કેસ પણ પશ્ચિમઝોનમાં જ છે. જયારે ઉત્તર પશ્ચિમઝોનમાં 462, દક્ષિણપશ્ચિમ ઝોનમાં 434, પૂર્વઝોનમાં 386, ઉતરઝોનમાં 451 અને દક્ષિણઝોનમાં 424 એક્ટિવ કેસ છે. આમ, કુલ 2999 એક્ટીવ કેસ પૈકી પશ્ચિમ વિસ્તારમાં 1548 જ છે.
શહેરમાં 29 જૂને 9 વ્યક્તિના મરણ થયા છે. જે પૈકી પશ્ચિમઝોનમાં 03, ઉતરપશ્ચિમ ઝોનમાં 02, પૂર્વઝોનમાં 02 અને દક્ષિણઝોનમાં 02 કેસ કન્ફર્મ થયા છે. જયારે મધ્ય, દક્ષિણ પશ્ચિમ અને ઉતરઝોનમાં કોઈ મરણ નોંધાયા નથી