રોજની ૧૦-૨૫% ફ્લાઇટ્સ રદ : રિફંડ આપવામાં ધાંધિયા
મુંબઈ: એરલાઇન્સ ટિકિટ વેચાઈ ગઈ હોય એવી રોજની ૧૦-૨૫ ટકા ફ્લાઇટ્સ રદ કરે છે. તેને લીધે પેસેન્જર્સમાં અંધાધૂંધી અને ગૂંચવાડાનો માહોલ ફેલાયો છે. મોટા ભાગના લોકોને તો હજુ ટિકિટનું રિફંડ પણ મળ્યું નથી. તેનું મુખ્ય કારણ એ છે કે, એરલાઇન્સ ત્રીજા ભાગની ફ્લાઇટ્સની ટિકિટ વેચી રહી છે,
પણ માત્ર ૨૫ ટકા ફ્લાઇટ્સનું જ સંચાલન કરે છે. એરલાઇન્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર નીચી માંગ તેમજ રાજ્ય સરકારોના લોકડાઉન અને ક્વોરન્ટાઇન અંગેના નિયમને કારણે એરલાઇન્સને વધારાની ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડી છે. સૂત્રએ જણાવ્યું હતું કે, “ઇન્ડિગો જેવી વધુ ફ્લાઇટ્સ ધરાવતી એરલાઇન્સ માટે છેલ્લી ઘડીએ ફ્લાઇટ રદ થવાના કેસ ઘણા વધુ છે.” ૨૫ મેના રોજ ડોમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવાની મંજૂરી પછી તામિલનાડુ સરકારે મહારાષ્ટ્ર અને ગુજરાતને પત્ર લખી ચેન્નાઈ ફ્લાઇટ્સ નહીં મોકલવા જણાવ્યું હતું.
ત્યાર પછી તેમણે બને એટલી ઓછી ફ્લાઇટ્સ ચેન્નાઈ મોકલવા કહ્યું હતું. જોકે, આ બે રાજ્યએ કોઈ ઔપચારિક જાહેરાત કરી ન હતી અને એરલાઇન્સને પણ પેસેન્જર્સને આ બાબતે કોઈ માહિતી આપી ન હતી. ૫૭ વર્ષના સુસ્મિતા બિસ્વાસે ૨૮ મેથી ૧૩ જૂનના ગાળામાં મુંબઈ-ચેન્નાઈ ફ્લાઇટની ટિકિટ ઇન્ડિગોમાં ૬ વખત અને ગોએરમાં બે વખત બૂક કરાવી. તેમને કોઈ પણ કારણ આપ્યા વગર તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. હવે તેમનું બૂકિંગ ૧ જુલાઈનું છે, પણ ફ્લાઇટ્સ ચાલશે કે નહીં તેની કોઈ નિશ્ચિતતા નથી. કોરોના સંકટ પહેલાં એરલાઇન્સ દૈનિક લગભગ ૩,૦૦૦ ફ્લાઇટ્સનું સંચાલન કરતી હતી.