ભારતમાં ૫૦ વર્ષમાં ૪.૫૮ કરોડ છોકરીઓ ગુમ: ગુજરાત સહિત ૯ રાજ્યોની સ્થિતિ ભયાવહ
નવીદિલ્હી, યુએનના એક અહેવાલ મુજબ ચીન પછી ભારતમાં સૌથી વધુ મહિલાઓ ગુમ થઈ છે. મંગળવારે જાહેર થયેલા આ અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં છેલ્લા ૫૦ વર્ષ દરમિયાન ૪.૫૮ કરોડ મહિલાઓ ગુમ થઈ ગઈ છે. જ્યારે વિશ્વભરમાં ગુમ થયેલી મહિલાઓની સંખ્યા ૧૪.૨૬ કરોડ છે. સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા કોષ દ્વારા જાહેર સ્ટેટ ઓફ વર્લ્ડ પોપ્યુલેશન ૨૦૨૦ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગત ૫૦ વર્ષોમાં ગુમ થનારી મહિલાઓની સંખ્યા વિશ્વમાં બે ગણી અધિક થઈ ગઈ છે. આ ૧૯૭૦માં ૬.૧ કરોડ હતી. જે ૨૦૨૦ સુધીમાં વધીને ૧૪. ૨૬ કરોડ થઈ ગઈ છે. આ વૈશ્વિક આંકડામાં ભારતમાં ૨૦૨૦માં ગુમ મહિલાઓની સંખ્યા ૪.૫૮ કરોડ અને ચીનીની ૭.૨૩ કરોડ છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ૨૦૧૩ થી ૨૦૧૭ ની વચ્ચે ભારતમાં દર વર્ષે લગભગ ૪.૬૦ લાખ છોકરીઓ જન્મ સમયે ગુમ થઈ જાય છે. એક વિશ્લેષણ મુજબ લિંગ પરીક્ષણને લીધે ગુમ થયેલી છોકરીઓની સંખ્યા કુલ ભાગના લગભગ બે તૃતીયાંશ છે અને જન્મ પછી સ્ત્રી જન્મ દર લગભગ એક તૃતીયાંશ છે. યુએનએફપીએના એક્ઝિક્યુટિવ ડો. નતાલિયા કનેમે જણાવ્યું કે, લિંગ આધારિત ગર્ભ પરિક્ષણને કારણે છોકરીઓ વધુ ગુમ થઈ રહી છે. ભારતમાં દર વર્ષે લગભગ ૪, ૬૦૦૦૦ છોકરીઓ જન્મ સમયે ગુમ થઈ જાય છે. ભારતમાં નોંધણી સિસ્ટમ આંકડાકીય અહેવાલમાં ૨૦૧૮માં જન્મ સમયે જે લિંગ રેશિયો નોંધવામાં આવ્યો છે જે વર્ષ ૨૦૧૬-૧૮ના સમયગાળા દરમિયાન જન્મેલા દરેક ૧૦૦૦ છોકરાઓ માટે ૮૯૯ છે.
ભારતના નવ રાજ્યોમાં જન્મ સમયે જાતિનું પ્રમાણ ૯૦૦ કરતા ઓછું છે. જેમાં હરિયાણા, ઉત્તરાખંડ, દિલ્હી, ગુજરાત, રાજસ્થાન, યુપી, મહારાષ્ટ્ર, પંજાબ અને બિહારનો સમાવેશ થાય છે. અહેવાલમાં યુએનએફપીએ ભારતના પ્રતિનિધિએ કહ્યું કે આપણે સમાનતા, સ્વાયતતા અને પસંદગીના સિદ્ધાંતો પર આગળ વધવાની જરૂર છે. ડો. કનેમે કહ્યું કે અમે ત્યાં સુધી નહીં અટકીએ જ્યાં સુધી તમામ છોકરીઓના અધિકાર અને પસંદગીઓ સંપૂર્ણ રીતે તેમના નહીં થાય.