Western Times News

Gujarati News

કોરોનાથી GST વસૂલાતને ફટકો, ૩ માસમાં ૫૯%નું ગાબડું

નવી દિલ્હી: કોરોના વાયરસ મહામારીને પગલે દેશમાં લાગુ કરાયેલા લોકડાઉનને પગલે ગુડ્‌ઝ એન્ડ સર્વિસ ટેક્સની વસૂલાતને પ્રથમ ત્રિમાસિક ગાળામાં ફટકો પડ્‌યો છે. એપ્રિલથી જૂનના ગાળામાં જીએસટી વસૂલાત ૫૯ ટકાનું ગાબડું પડ્‌યું છે. જૂન માસમાં જીએસટી કલેક્શન રૂ. ૯૦,૯૧૭ કરોડ થયું હતું જ્યારે મે માસમાં તે રૂ. ૬૨,૦૦૯ કરોડ અને એપ્રિલમાં રૂ. ૩૨,૨૯૪ કરોડ રહ્યું હતું. દર વર્ષની તુલનાએ જૂનમાં જીએસટીની વસૂલાતમાં ૯ ટકાનો ઘટાડો નોંધાયો હતો

જ્યારે મેમાં ૬૨ ટકા તેમજ એપ્રિલમાં ૨૮ ટકાન ઘટાડો થયો હતો. પ્રથમ ત્રિમાસમાં જીએસટી વસૂલાતમાં ૫૯ ટકાનું ગાબડું પડ્‌યું હતું. કોરોના વાયરસને વધુ ફેલાતો અટકાવવા દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું જેને પગલે અર્થતંત્રને જોરદાર ફટકો પડ્‌યો હતો. નાણાં મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને આવકમાં ફટકો પડ્‌યો છે.

કોરોના મહામારી તેમજ આર્થિક નરમાઈ અને સરકારે ટેક્સ ભરવામાં આપેલી રાહતને પગલે સરકારની આવકમાં ઘટાડો થયો છે. જો કે વિતેલા ત્રણ માસના આંકડા જોતા જીએસટી વસૂલાતમાં સુધારો થતો હોવાનું ચિત્ર દેખાય છે. પંજાબ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, બિહાર, આસામ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક સહિતના રાજ્યમાં ગત વર્ષની તુલનાએ જૂનમાં જીએસટી વસૂલાતમાં વધારો નોંધાયો હતો. પૂર્વોત્તરના રાજ્યો સિક્કિમ, મણીપુર, ત્રિપુરા, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં પણ જૂનમાં જીએસટી વસૂલાતમાં સુધારો થયો હતો. જૂનમાં ગ્રોસ જીએસટી વસૂલાત રૂ. ૯૦,૯૧૭ કરોડ રહ્યું હતું જે પૈકી કેન્દ્રીય જીએસટી રૂ. ૧૮,૯૮૦ કરોડ તેમજ સ્ટેટ જીએસટીની રૂ. ૨૩,૯૭૦ કરોડની આવક રહી હતી.

એકત્રિત જીએસટી આવક રૂ. ૪૦,૩૦૨ કરોડ થઈ હતી. ચીજવસ્તુની આયાતમાંથી આવક ૭૧ ટકા તેમજ સ્થાનિક કામગીરીથી આવક ૯૭ ટકા રહી હતી. કેન્દ્ર સરકારે માર્ચ તેમજ એપ્રિલના જીએસટી રિટર્ન ભરવામાં વધુ મુદત આપી હતી અને ફેબ્રુઆરીના કેટલાક જીએસટી રિટર્ન જૂન ૨૦૨૦માં ભરવામાં આવ્યા હતા. મે માસના જીએસટી રિટર્ન જુલાઈના પ્રારંભે ભરવામાં આવશે. નિષ્ણાતોના મતે કોરોના મહામારીને પગલે નાણા વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં જીએસટી વસૂલાતમાં ઘટાડો થવો સ્વાભાવિક છે અને જૂનમાં જીએસટીની આવકમાં વધારો સારી નિશાની છે. જો કે કેન્દ્રની જીએસટી આવકમાં ઘટવાથી રાજ્યોની આવક પણ પ્રભાવિત થઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.