Western Times News

Gujarati News

ડિગ્રી ઈજનેરી માટે ૯ જુલાઈથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે

અમદાવાદ, ધો.૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી કોર્સીસમાં પ્રવેશ માટે સરકારની એડમિશન કમિટી દ્વારા આજે વિધિવત તારીખો જાહેર કરાઈ છે અને જે મુજબ ૯મી જુલાઈથી ઓનલાઈન રજિસ્ટ્રેશન સાથે ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.આ વર્ષે વિદ્યાર્થી પિન નંબર વગર જ રજિસ્ટ્રેશન કરી શકશે.રજિસ્ટ્રેશન પ્રક્રિયા૮ ઓગસ્ટ સુધી ચાલશે અને આગળનો પ્રવેશ કાર્યક્રમ પછીથી જાહેર કરાશે.

ગુજરાતમાં આવેલી સરકારી અને ગ્રાન્ટેડ ડિગ્રી ઈજનેરી કોલેજો તેમજ ખાનગી કોલેજો અને પ્રાઈવેટ યુનિ.ઓમાં બી.ઈ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ધો.૧૨ પછી બોર્ડ અને ગુજકેટ પરિણામના આધારે થતી પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સીસ દ્વારા ૯મી જુલાઈથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. ૧૬ સરકારી કોલેજો ઉપરાંત ૧૦૦થી વધુ ખાનગી કોલેજો અને ૧૦થી વધુ પ્રાઈવેટ યુનિ.ઓની ૬૬ હજારથી વધુ બેઠકો માટે આ વર્ષે પ્રક્રિયા થશે.આ વર્ષે સરકારી કોલેજોની ૨૦૦૦થી વધુ બેઠકો સરકારે ઘટાડતા સરકારી બેઠકો ઘટી છે.જ્યારે નવા નિયમો અંતર્ગત રાજ્યની ખાનગી ઈજનેરી કોલેજો અને તમામ પ્રાઈવેટ યુનિ.ઓમાં ૫૦ ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટાની કરી દેવાઈ છે અને જે બેઠકો કોલેજો-યુનિ.પોતાની રીતે ભરી શકે છે.

આ વર્ષે ૧૨ સાન્સનું પરિણામ નબળુ આવતા અને વિદ્યાર્થીઓ ઘટતા હજારો બેઠકો ખાલી રહે તેમ હોવાથી ૫૦ ટકા બેઠકો મેનેજમેન્ટ ક્વોટામાં લઈને પણ કોલેજો કંઈ લાભ લઈ શકે તેમ ન હોઈ અનેક કોલેજોએ પોતાની ઘણી બેઠકો એડમિશન કમિટીને સેન્ટ્‌લાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત ભરવા સરન્ડર કરી દીધી છે.જો કે બીજી બાજુ સરકારી કોલેજોની પાંચ બેઠકો હવે ગુજકેટને બદલે જેઈઈ મેઈનથી ગુજરાત ઉપરાંત દેશના વિદ્યાર્થીઓથી પણ ભરાશે.

આ વર્ષે કોરોનાને પગલે પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન થશે અને જેમાં વિદ્યાર્થીએ પિન નંબર અને બુકલેટ લેવા બેંકોની બ્રાંચો પર જવાનું નથી.આ વર્ષે પિન નંબર જ ફાળવાશે નહી અને તેના વગર જ રજિસ્ટ્રેશન થશે.વિદ્યાર્થીએ આ વર્ષે પિન નંબર વગર જ પોતાના નામ મોબાઈલ નંબરથી પ્રોફાઈલ બનાવી રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.

અત્યાર સુધી વિદ્યાર્થીએ ગુજકેટ સીટ નંબર ,પિન નંબર અને કી નાખી પાસવર્ડ જનરેટ કરી રજિસ્ટ્રેશન કરવાનું હતુ પરંતુ હવે પ્રથમવાર ગુજકેટ સીટ નંબર પણ રજિસ્ટર્ડ કરવાની જરૂર નથી.મોબાઈલ નંબર પર ઓટીપી મેળવી રજિસ્ટ્રેશન થશે.ફી પણ નેટબેંકિંગ,યુપીઆઈ,ડેબિટકાર્ડ સહિતના માધ્યમથી ઓનલાઈન ચુકવી ચકાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.