Western Times News

Gujarati News

હુમલાખોરોએ જાહેર રોડ પર જ મહિલાના પેટમાં લાતો મારતા ગર્ભપાત

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં એક પછી એક ગંભીર ઘટનાઓ ઘટવા લાગી છે જેના પગલે પોલીસતંત્ર સફાળુ જાગ્યુ છે આરોપીઓને ઝડપી લેવા માટે પોલીસ અધિકારીઓ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી રહી છે આ પરિસથિતિમાં શહેરના ઘીકાંટા વિસ્તારમાં ગઈકાલે ભર બપોરે એક ગર્ભવતી મહિલા પર ત્રણ શખ્સો અને એક મહિલાએ હુમલો કરી તેના પેટમાં લાતો મારતા મહિલાને ગર્ભપાત થઈ ગયો હતો અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સ્થળ પર પહોચી ગયા હતા અને આ અંગે તપાસ શરૂ કરી ચારેય આરોપીઓને ઝડપી લેવાની તજવીજ શરૂ કરી છે.

આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાં પરિસ્થિતિ  સામાન્ય બનવા લાગી છે રાજય સરકારે અનલોક-૧ બાદ અનલોક-ર માં વધુ છુટછાટો આપી છે જેના પરિણામે હવે પરપ્રાંતિય શ્રમિકો અમદાવાદ આવવા લાગ્યા છે અને ધંધા-રોજગાર પણ પુનઃ ધમધમતા થવા લાગ્યા છે શહેરના ઓઢવ વિસ્તારમાં આવેલી નીલકંઠ સોસાયટીમાં કૈલાશસિંહ યાદવ તેની પત્નિ  સીમાબેન સાથે રહે છે કૈલાશસિંહ પોતે લાલદરવાજા અપના બજાર નજીક નાસ્તાની લારી પર નોકરી કરે છે

જયારે સીમાબહેન પણ મજુરી કામ કરી રહયા છે તેવુ જણાવાયું છે સીમાબહેન ગર્ભવતી હતા ગઈકાલે બપોરે ૩ વાગ્યાની આસપાસ સીમા યાદવ ઘીકાંટા ચાર રસ્તા પાસે આવેલા એલઆઈસીના બિલ્ડીંગ પાસે ઉભા હતા આ દરમિયાન પટવા શેરીમાં રહેતો ગોટુ નામનો શખ્સ તથા ચાંદલોડિયા વિસ્તારમાં રહેતી મનીષા નામની યુવતિ તેની પાસે આવી હતી આ બંને વ્યક્તિઓએ સીમા સાથે બોલાચાલી કરી અહિયા નહી ઉભા રહેવાનું જણાવ્યું હતું આ દરમિયાનમાં સીમા યાદવે તેનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો બોલાચાલી ચાલતી હતી તે દરમિયાનમાં જ રીલીફ રોડ પર રહેતો બાદશાહ અને જુહાપુરામાં રહેતો મોહસીન નામનો શખ્સ ત્યાં આવ્યા હતા અને ચારેય વ્યક્તિઓએ  ભેગા મળી સીમા યાદવ પર હુમલો કર્યો હતો

આરોપીઓ ગોટુ, મનીષા, બાદશાહ અને મોહસીને સીમાને ઢોરમાર મારતા અને પેટમાં લાતો મારતા તે બેભાન હાલતમાં ઢળી પડી હતી આ દ્રશ્ય જાઈ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતાં. લોકોનુ ટોળુ એકત્ર થઈ જતા ચારેય આરોપીઓ ભાગી છુટયા હતા બીજીબાજુ આ અંગેની જાણ ૧૦૮ને કરવામાં આવતા તાત્કાલીક એમ્બ્યુલન્સ આવી પહોંચી હતી.

સીમા યાદવ ગર્ભવતી હોવાથી લોહી નીકળવા લાગ્યુ હતું તેને હોસ્પિટલમાં  લઈ જતા હોસ્પિટલના ડોકટરોએ સીમા યાદવનો ગર્ભપાત થઈ ગયો હોવાનું જણાવ્યું હતું અને તેની હાલત પણ ગંભીર હતી જાકે તાત્કાલિક સારવાર મળતા સીમા યાદવની હાલત સુધારા પર છે ઘટનાની જાણ થતાં કારંજ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી અને સીમા યાદવની પુછપરછ કરતા ચારેય આરોપીઓના નામો ખુલ્યા હતાં અંગત અદાવતમાં આ ઘટના ઘટી હોવાનું પોલીસ માની રહી છે પરંતુ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ચારેય આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યાં છે

પોલીસે સીમા યાદવ ઘીકાંટા ચાર રસ્તા પાસે શું કરવા ગઈ હતી તે અંગે પણ પુછપરછ શરૂ કરી છે અને તે આ ચારેય આરોપીઓને કેવી રીતે ઓળખે છે તે અંગે પણ પુછપરછ કરવામાં આવી રહી છે કારંજ પોલીસે આ અંગે ગુનો દાખલ કરી સઘન તપાસ શરૂ કરી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર વિસ્તારમાં પડી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.