અમેરિકામાં યુવાનો કોવિડ-૧૯ પાર્ટી કરે છે, કોને પહેલો ચેપ લાગશે તેની શરત લાગે છે!
વોશિંગ્ટન, અમેરિકાના એલબેમા સ્ટેટના કોલેજિયનો ‘કોવિડ-૧૯ પાર્ટીઓ’ યોજે છે તેવા સમાચારે સમગ્ર વિશ્વમાં સનસનાટી મચાવી દીધી છે. ત્યાંના ટસ્કાલૂસા સિટીના કાઉન્સિલર સોન્યા મેકિન્સ્ટ્રીએ સત્તાવાર રીતે આ શાકિંગ પાર્ટીની વિગતો આપી છે. આ ‘કોવિડ-૧૯ પાર્ટી’ના આયોજકો કોરોના પોઝિટિવ વ્યક્તિઓને પાર્ટીમાં આમંત્રે છે. પ્લસ પાર્ટીમાં તંદુરસ્ત લોકો પણ હાજર હોય છે. તેઓ પાર્ટીમાં આવતાંની સાથે જ નક્કી થયેલી એક રકમ કાચના બાઉલમાં એકઠી કરે છે. હેતુ એવો કે પાર્ટી યોજાઈ ગયા પછી તેમાં આવેલી જે વ્યક્તિને સૌથી પહેલો કોરોનાનો ચેપ લાગે તે એકઠા થયેલાં તમામ નાણાં લઈ જાય!
ટસ્કાલૂસા સિટીના ફાયર ચીફ રેન્ડી સ્મિથે પણ આ વાત સ્વીકારી છે કે શરૂઆતમાં અમને લાગેલું કે આવી પાર્ટીઓ ગુપ્ત રીતે યોજાય છે તે માત્ર અફવા જ છે. પરંતુ થોડા રિસર્ચ પછી અમને ખબર પડી કે ખરેખર આવી પાર્ટીઓ યોજાય છે. આ પાર્ટીમાં કેટલાક કોરોના પોઝિટિવ યુવાનોએ પોતે કોરોનાવાઈરસના વાહક છે તે જાણતા હોવા છતાં ઈરાદાપૂર્વક આ પાર્ટીમાં હાજરી આપી હતી. આમેય ટસ્કાલૂસા સિટીમાં યુનિવર્સિટી ઓફ એલબેમા અને બીજી કેટલીયે કોલેજો આવેલી છે, એટલે ત્યાં રહીને ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા પણ સારી એવી છે.
એલબેમાના ટસ્કાલૂસામાં યુનિવર્સિટી ઓફ એલબેમા અને અન્ય કોલેજો આવેલી હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા પણ મોટા પ્રમાણમાં છે, તેમાંના અમુક આવી પાર્ટીઓ યોજે છેજાણી જોઈને કોરોનાનો ચેપ લગાડવાની આવી પાર્ટીઓ જ્યાં યોજાય છે તે અમેરિકાના એલબેમા સ્ટેટમાં છેલ્લા સમાચાર પ્રમાણે ૩૯,૬૦૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યા છે. એમાંથી ૨૧૦૭ કેસ તો એકલા ટસ્કાલૂસામાં જ છે. ૩૯ લોકોનાં કોરોનાથી મૃત્યુ થયાં છે. ત્યાં પણ મંગળવારે સત્તાવાર રીતે ખરડો પસાર કરવામાં આવ્યો કે જાહેર સ્થળે નીકળતી વ્યક્તિએ ફેસ માસ્ક પહેરવો ફરજિયાત રહેશે.
આવી કોવિડ-૧૯ પાર્ટીઓમાં કોરોના પોઝિટિવ યુવાનોએ હાજરી આપ્યા પછી કેટલા લોકોને ચેપ લાગ્યો અને તેમણે બીજા કેટલા લોકોને આ ચેપ પાસ આૅન કર્યો તેની ચોક્કસ વિગતો હજી જાહેર થઈ નથી. કોરોનાવાઈરસ અશક્તો, વૃદ્ધો, બાળકો અને કો-મોર્બિડિટી એટલે કે અન્ય બીમારીઓ ધરાવતા લોકોને માટે જીવલેણ નીવડે તેવા ચાન્સ વધારે રહે છે. યુવાનો તેમની કુદરતી રોગપ્રતિકારક શક્તિને લીધે કોરોનામાંથી ઊગરી જાય તેની શક્યતાઓ વધારે રહે છે. તેનો લાભ ઉઠાવીને આવા યુવાનો થ્રિલ મેળવવા માટે આવી શાકિંગ પાર્ટીઓ યોજે છે અને પોતાનો તથા અન્ય લોકોનો પણ જીવ જોખમમાં મૂકે છે.