અમદાવાદના મેટ્રો પ્રોજેક્ટમાં ચીનની કંપનીએ કામ શરૂ કર્યું
અમદાવાદ: અમદાવાદ સ્માર્ટ સિટીના ડ્રિમ પ્રોજેકટ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મેટ્રો સ્ટેશન પર ચીનની કંપનીએ સ્ક્રીન ડોર લગાડવાની કામગીરી શરૂ કરી છે તે વાત સાંભળીને સૌ કોઈને મનમાં એ જ સવાલ થાય કે ચાઈનાનો આ તે કેવો વિરોધ. એક બાજુ દેશભરમાં ચાઈનીઝ ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાનું અને ચાઈનીઝ કંપનીઓની એપ્લિકેશન પ્રતિબંધ કરાય છે ત્યારે બીજી તરફ કોઈ ચીની કંપનીને મેટ્રોની કોઈપણ કામગીરી માટે કોન્ટ્રાક્ટ કેવી રીતે આપી શકાય.
હાલમાં જ ભારતીય જવાનો ચીનની દગાબાજીના શિકાર બનતા જવાનો શહીદ થયા. આ ઘટના બાદ દરેક ભારતીયમાં દેશ પ્રત્યેનો લોકજુવાળ ઉઠ્યો. દેશભરમાં લોકોના ટોળા બહાર આવી ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરી સ્વદેશી અપનાવવાના નારા લાગ્યા.
તો સરકાર દ્વારા પણ ૫૯ જેટલી ચાઈનીઝ એપ્લિકેશન પર પ્રતિબંધ મુકાયો. પણ ભારત અને ચીન વચ્ચેની તણાવ ભરી પરિસ્થિતિ વચ્ચે અમદાવાદમાં ચીની કંપનીનું કામ બિન્દાસ ચાલી રહ્યું છે. અને આ કોન્ટ્રાક્ટ રદના કરાયો તો આ જ ચીની કંપની આપણા દેશમાંથી કરોડોની કમાણી કરી જશે એ નક્કી છે. મેટ્રો રેલ પ્રોજેક્ટના કામને લઈને જે વિગતો સામે આવી રહી છે
તે મુજબ અમદાવાદના મેટ્રો રેલ કામ કરતી ફાગડા નામની ચાઈનીઝ કંપનીને પ્લેટફોર્મ સ્ક્રીન ડોર માટે ૧૦૦ કરોડનો કોન્ટ્રાન્ક મેટ્રો પ્રોજેકટ અંતર્ગત ફળવામાં આવ્યો છે. જેમાં કંપનીને ૩૨ મેટ્રો સ્ટેશનમાં ડોર માટેનો કોન્ટ્રાકટ આપાયો છે.
હાલ ચારથી વધુ સ્ટેશન ખાતે ડોર લગાવામાં આવી રહ્યા છે. વર્ષ ૨૦૧૮માં કંપનીને મેટ્રો પ્રોજેકટમાં ડોરના કામ માટે ટેન્ડર પ્રક્રિયા થઈ હતી. સ્ટેશન પર કામગીરી બાકી હોવાથી અને ત્યારબાદ કોરોના મહામારીના કારણે કામકાજ અટક્યું હતું.
પણ હાલમાં કંપની દ્વારા ડોર લગાવવાની કામગીરી શરૂ કરાઈ છે. મહત્વનું છે કે, અન્ય રાજ્યો દ્વારા ભારત અને ચીન વચ્ચે વધતા તણાવ સામે ચાઈનીઝ કંપની કોન્ટ્રાકટ રદ્દ કરીને સ્વદેશી કંપનીને કોન્ટ્રાકટ આપી રહ્યા છે. તેવામાં અમદાવાદમાં મેટ્રો રેલ પ્રોજેકટમાં આ ચાઇના કંપનીનો કોન્ટ્રાક્ટ ક્યારે રદ થાય છે તે જાવાનું રહે છે.