ઈડીના અધિકારીઓ સવાલનો જવાબ ન આપી શક્યાઃ પટેલ
સાંડેસરા ગ્રૂપમાંથી ગુજરાત સરકારમાં કોને લાભ થયો?-કોંગ્રેસના નેતા અહેમદ પટેલનો ઈડીએ કરેલા ૧૨૮ સવાલના તમામના જવાબ આપ્યા હોવાનો દાવો
નવી દિલ્હી, મનો લોન્ડરિંગ કેસમાં ઈડીની તપાસનો સામનો કરી રહેલા કોંગ્રેસના નેતા અહેમદ પટેલે શુક્રવારે કહ્યું હતું કે, તપાસ એજન્સીને તેમણે પૂછેલા સવાલનો જવાબ તે આપી શક્યા નથી. અહેમદ પટેલે ઈડીને એવો સવાલ કર્યો હતો કે, સાંડેસરા ગ્રૂપે ગુજરાત સરકારમાં બેઠેલી કઈ વ્યક્તિને લાભ અને વિશેષાધિકાર આપ્યો છે તે બતાવી આપો. આ સવાલનો જવાબ ઈડી આપી શકી નથી, તેમ અહેમદ પટેલે ઉમેર્યું હતું.
પટેલે કહ્યું કે, તેમને ઈડીએ ૧૨૮ સવાલો કર્યા હતા અને તમામના તેમણે જવાબ આપ્યા છે. મેં ઈડીના અધિકારીઓનો મારા ઘરે આવવા બદલ આભાર પણ માન્યો હતો, એમ તેમણે કહ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ(ઈડી)એ શનિવાર, મંગળવાર અને ગુરુવાર એમ સતત ત્રણ વાર મની લોન્ડરિંગ કેસમાં અહેમદ પટેલની પૂછપરછ કરી છે. ૨૭ જૂનના શનિવારે ઈડીએ આ કેસમાં અહેમદ પટેલની આશરે આઠ કલાક પૂછપરછ કરી હતી. અધિકારીઓના મતે વડોદરાની ર્સ્ટલિંગ બાયોટેકના પ્રમોટરો સાંડેસરા બંધુઓના મની લોન્ડરિંગ કેસમાં શનિવારે અહેમદ પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું.
અહેમદ પટેલ કોંગ્રેસ પક્ષના ટ્રેઝરર છે અને તેઓ યુપીએ ચેરપર્સન અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર પણ રહ્યા છે. તેઓ કોંગ્રેસમાં એક ટોચના નેતાનો હોદ્દો ધરાવે છે. વડોદરાની ર્સ્ટલિંગ બાયોટેકના પ્રમોટર્સ નીતિન જયંતિલાલ સાંડેસરા, ચેતનકુમાર સાંડેસરા અને દીપ્તી સાંડેસરાના ૧૪,૫૦૦ કરોડના બેન્ક લોન કૌભાંડને લઈને પટેલની કથિત મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ કરવામાં આવી છે.
આ કેસમાં સાંડસેરા પરિવારના તમામ ભાગેડુ છે અને નીતિન તેમજ ચેતન બન્ને ભાઈઓ છે.અહેમદ પટેલે શનિવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમણે સરકારી ‘મહેમાનો’ દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. મને આશ્ચર્ય થાય છે કે, ચીન, કોરોના વાયરસ અને બેરોજગારી સામે લડવાને બદલે કેન્દ્ર સરકાર વિપક્ષ સામે બાથ ભીડી રહી છે. કાયદાને તેનું કામ કરવા જેવું જોઈએ અને જેણે કોઈ ખોટું નથી કર્યું તેણે ડરવાની કોઈ જરૂર નથી. પટેલે આક્ષેપ કરતા જણાવ્યું કે, જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે કેન્દ્ર સરકાર વિવિધ એજન્સીઓનો દુરૂપયોગ કરે છે.