પાક. દ્વારા ૨૦૨૦માં જૂન સુધી ૨૪૩૨ વાર સંઘર્ષવિરામ ભંગ
કોઈ જ કારણ વગર સંઘર્ષ વિરામનો ભંગ કરાયો, જેમાં ૧૪ ભારતીય સૈનિકોનાં મોત, ૮૮ સૈનિકો ઘાયલ થયા
નવી દિલ્હી, ભારતે લાઈન ઓફ કંટ્રોલ(એલઓસી) અને આંતરરાષ્ટ્રીય સરહદની પાસે આવેલી ભારતીય પોસ્ટને નિશાન બનાવીને સતત સંઘર્ષવિરામનો ભંગ કરવાની પાકિસ્તાનની કોશિશ સામે આકરો વિરોધ નોંધાવ્યો છે. સૂત્રોએ આ માહિતી આપી છે. એક વિશ્વસનીય સૂત્રે પોતાનું નામ નહીં કહેવાની શરતે કહ્યું કે આ વર્ષે જૂન સુધી પાકિસ્તાની સૈન્ય દળ દ્વારા ૨૪૩૨થી વધુ વાર કોઈ જ કારણ વગર સંઘર્ષ વિરામનો ભંગ કરવામાં આવ્યો છે,
જેમાં ૧૪ ભારતીય સૈનિકોના મોત થયા છે,તેમજ ૮૮ સૈનિકો ઘાયલ થયા છે. તેમણે ઉમેર્યું કે, પાકિસ્તાની દળો દ્વારા સતત સંઘર્ષ વિરામનો ભંગ, વર્ષ ૨૦૦૩માં એને લઈને થયેલી અરસપરસની સમજની સ્પષ્ટ રુપે અવગણના કરી છે. પાકિસ્તાની સૈન્યે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં એલઓસી નજીકના વિસ્તારોમાં ફાયરિંગ કર્યું, તેનો ભારતીય સૈન્યે મજબૂતાઈથી જવાબ આપ્યો હતો અને બે પાકિસ્તાની સૈનિક માર્યા ગયા હતા.
વિશ્વસનીય સૂત્રોના કહેવા અનુસાર અમે આતંકવાદીઓને સરહદ પરથી ઘુસણખોરી કરવાને લઈને પાકિસ્તાની સૈનિકો દ્વારા અપાતા સમર્થનને લઈને આપણી ચિંતાથી વાકેફ કર્યા છે, પરંતુ ડાયરેક્ટર જનરલ મિલિટ્રી ઓપરેશન્સના માધ્યમથી કરાયેલી આ પહેલ બાદ પણ પાકિસ્તાની સૈન્ય પોતાની હરકત ચાલું રાખી રહયું છે. પાકિસ્તાન તરફથી એલઓસી પર સંઘર્ષ વિરામ એવા સમયમાં થયો છે, જ્યારે ચીનની સાથે એલએસી પર પણ તણાવ છે.