ગુરુ પૂર્ણિમા પર્વની મોડાસા ગાયત્રી ચેતના કેન્દ્ર દ્વારા દિવ્ય ઉજવણીઃ ગામેગામ હાથ ધરાશે વૃક્ષા ગંગા અભિયાન
સાકરીયા: ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમા પર્વ ગુરુ-શિષ્ય શ્રદ્ધા- સમર્પણ ભર્યા સંબંધોના સંકલ્પિત ભાવનાની પુનઃજાગૃતિ માટે ખૂબ જ અગત્યનો ઉત્સવ છે. ગાયત્રી પરિવાર,મોડાસાના અગ્રણી હરેશભાઈ કંસારાના જણાવ્યાનુસાર મોડાસા ખાતે ગાયત્રી પરિવાર દ્વારા દર વર્ષે ચાર દિવસીય ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવણી કરવામાં આવતી હતી.
પરંતુ આ વર્ષે હાલની સૌના સામુહિક સ્વાસ્થ્ય સુરક્ષાની વિકટ પરિસ્થિતિ અનુસાર આ વખતે ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવણી સૌ ગાયત્રી સાધકોને પોતાના ઘેર જ પણ સૌ એક જ નિરધારીત કરેલ સમયે જપ ,સાધના, ધ્યાન અને દરેક પોતાના ઘેર ગાયત્રી યજ્ઞ- ગુરુ પૂજન કરી ત્યાર બાદ સોસીયલ ડિસ્ટન્સીંગ પાલન તેમજ માસ્ક બાંધીને તથા સેનેટાઈઝથી સ્વચ્છતા સાથે ફક્ત દર્શનાર્થે ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આવી તુરત જ પરત ફરવાનું આયોજન કરવામાં આવ્યું.
શ્રી કંસારા એ ગુરુ પૂર્ણિમાનું મહત્વ સમજાવતા કહ્યું ગુરુ એ ભાવસંવેદનાની ગંગોત્રી છે. શિષ્યો માટે આત્મમૂલ્યાંકનનું પર્વ છે. પૂજ્ય ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી દ્વારા રચિત ૩૨૦૦ પુસ્તકોની વિચારધારાને જીવનમાં ઉતારી જન જનમાં સદ્બબુદિ્ધ- સદચિંતન માટે તન-મન-ધનથી અથાગ પ્રયત્નો માટે આજે આપણે સૌ સંકલ્પિત બનવાનો અવસર છે.
ગાયત્રી પરિવાર યુવા સંગઠન,ગુજરાતના અગ્રણી શ્રી કિરીટભાઈ સોની એ વિશેષમાં સૌ સાધકોને આજ ગુરુ પૂર્ણિમા પર્વથી રક્ષાબંધન સુધી મોડાસા તેમજ આસપાસના ગામોમાં વૃક્ષ ગંગા અભિયાન અંતર્ગત તરુપૂત્ર, તરુમિત્ર રુપે વૃક્ષોના જતન માટે ઓનલાઈન મેસેજ દ્વારા સૌને સમજ આપી. એક મહિના દરમિયાન ગામે ગામ વૃક્ષારોપણ કાર્યક્રમ દરેક ગામના સ્થાનિક સાધકો દ્વારા ચલાવવા આયોજન કરવામાં આવ્યું છે.
અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના મુખ્યાલય શાંતિકુંજ, હરિદ્વાર દ્વારા આજ ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવણી પર દેશ વિદેશમાં કરોડો સાધકોને સોસીયલ મિડિયાના માધ્યમ દ્વારા વિશેષ સંદેશ તથા પૂજ્ય ગુરુદેવ દ્વારા શરું થયેલા વિચાર ક્રાંતિ અભિયાન દ્વારા યુગ પરિવર્તન હેતુ માનવમાત્રને સદ્બુદિ્ધ માટે વિશેષ ગાયત્રી મહામંત્ર અને યજ્ઞીય પરંપરાને જીવનમાં આત્મસાત કરવા તથા આત્મનિરિક્ષણ કરી જીવનમાં સન્માર્ગે ચાલવા પ્રેરણા માટે અનેક પ્રકારના આંદોલન સ્થળ સંજોગો અનુસાર સૌની સ્વાસ્થ્યની સુરક્ષા જળવાઈ રહે તે રીતે તીવ્ર ગતિ લાવવા આહવાન કર્યું હતું.