અમરાઈવાડીમાંથી જ્યુસ સેન્ટરની આડમાં દારૂનો અડ્ડો
અમરાઈવાડી પોલીસે મોડી સાંજે જ્યુસ સેન્ટર પર દરોડો પાડી રૂ.૩ લાખની કિંમતની વિદેશી દારૂ જપ્ત કર્યો
(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરમાં અનલોક-ર માં અપાયેલી વધુ છુટછાટનો લાભ હવે ગુનેગારો ઉઠાવવા લાગ્યા છે જેના પરિણામે શહેરમાં ગુનાખોરીનો આંક પણ ખૂબ જ ઝડપથી વધવા લાગ્યો છે શહેરમાં દારૂ, જુગારના અડ્ડા પણ ધમધમવા લાગ્યા છે જેના પરિણામે ઉચ્ચ અધિકારીઓએ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે આપેલા આદેશના પગલે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ દરમિયાનમાં એક ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ થયો છે જેમાં અમરાઈવાડી વિસ્તારમાં જ્યુસ સેન્ટરની આડમાં બુટલેગર દારૂનો ધંધો કરતો હોવાની બાતમી મળતા અમરાઈવાડી પોલીસે ગઈકાલે બંધ જ્યુસ સેન્ટરના તાળા તોડી અંદર તપાસ કરતા ૮ પીપડામાં ભરેલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી
અંદાજે પ૧ર વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેની કિંમત ૩ લાખ જેટલી થવા જાય છે. પોલીસની કાર્યવાહી પહેલા જ બુટલેગર ફરાર થઈ ગયો હતો અને તેને ઝડપી લેવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે અમદાવાદ શહેરમાંથી દારૂ જુગારની બદીને ડામી દેવા માટે શહેરભરમાં સઘન તપાસ કરવામાં આવી રહી છે અને રાત્રિ દરમિયાન તમામ વાહનોનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યુ છે આ દરમિયાનમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રસિંહને બાતમી મળી હતી કે શહેરના અમરાઈવાડી હાટકેશ્વર વિસ્તારમાં આવેલી સરદારજીની ચાલીમાં રહેતો યોગેશ ગુપ્તા નામનો શખ્સ અન્ય રાજયમાંથી વિદેશી દારૂ લાવી અમદાવાદમાં તેનુ વેચાણ કરી રહયો છે. આ બાતમીના આધારે અમરાઈવાડી પોલીસની ટીમે વોચ ગોઠવી હતી વોચમાં ચોંકાવનારી વિગત જાણવા મળી હતી યોગેશ ગુપ્તા નામનો બુટલેગર પોતાના ઘરની પાસે જય માતાજી રસ સેન્ટર નામનું જ્યુસ સેન્ટર ચલાવે છે અને આ જ્યુસ સેન્ટરની આડમાં તે વિદેશી દારૂનો ધંધો કરતો હતો.
બાતમીના આધારે તપાસ કરતા ચોકાવનારા ષડયંત્રનો પર્દાફાશ થતાં જ પોલીસ એલર્ટ થઈ ગઈ હતી અને ગઈકાલે મોડી સાંજે એએસઆઈ જીતેન્દ્રસિંહની આગેવાની દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અમરાઈવાડી પોલીસની ટીમ જ્યુસ સેન્ટર પર પહોંચી તો તેને તાળુ વાગેલુ જાવા મળ્યુ હતું જેના પરિણામે પોલીસ અધિકારીઓએ આ જ્યુસ સેન્ટરનું તાળુ તોડાવી અંદર તપાસ શરૂ કરી હતી જ્યુસ સેન્ટરમાં ૮ મોટા પીપડા પડેલા જાવા મળ્યા હતા આ પીપડા ખોલતા તેમાં ઉપર ભૂસું પડેલુ હતું આ ભૂસું હટાવતા જ નીચે વિદેશી દારૂની બોટલો સંતાડેલી મળી આવી હતી.
તમામ પીપડા ખાલી કરતા તેમાંથી કુલ પ૧ર બોટલ વિદેશી દારૂની મળી આવી હતી જેની અંદાજે કિંમત રૂ.૩ લાખ જેવી થવા જાય છે પોલીસ દરોડો પાડે તે પહેલા જ બુટલેગર યોગેશ ગુપ્તા ભાગી છુટયો હતો. જેની તપાસ શરૂ કરવામાં આવી છે અમરાઈવાડી પોલીસ સ્ટેશનના એએસઆઈ જીતેન્દ્રસિંહ જાતે જ ફરિયાદી બન્યા છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.