માસ્ક ન પહેરનાર અને જાહેરમાં થુંકનારની હવે ખેર નથી, તંત્ર દ્વારા ઝુંબેશરૂપે કામગીરી કરી દંડ વસૂલવામાં આવશે
મહામારીના સમયમાં નાગરીકોનું બેદરકારીભર્યું વર્તન નહીં ચલાવી લેવાય, નિયમોનું પાલન કરો અથવા દંડ ભરો — જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ
માસ્ક વગરના વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા શહેરમાં પ્રવેશવાના રસ્તાઓ પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરાશે, કન્ટેઈનમેન્ટ ઝોનના નિયમોની અમલવારી વધુ સઘન બનાવાશે
માહિતી બ્યુરો, પાટણ: જિલ્લામાં વધી રહેલા કેસ પર કાબુ મેળવવા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જે મુજબ માસ્ક ન પહેરનાર અને જાહેર સ્થળોએ થુંકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ કન્ટેઈનમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયેલા વિસ્તારો પર સતત નજર રાખી માર્ગદર્શિકા મુજબ સુચારૂ અમલીકરણ કરવામાં આવશે.
જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને અટકાવવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અનલૉક-૨ મુજબ જરૂરી નિયંત્રણો સાથે બજાર ખુલ્લા રાખવા સહિતની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કરનાર, માસ્ક ન પહેરનાર તથા જાહેરમાં થુંકી જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવશે.
આ અંગે વાત કરતાં જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલ જણાવે છે કે, પૂરતી કાળજી અને સાવચેતી રાખી અન્યોને જોખમમાં ન મુકવા સૌ નાગરીકોની સામાજીક જવાબદારી છે. કોરોના વાયરસ જેવી મહામારીના સમયે નાગરીકોનું બેદરકારીભર્યું વર્તન ચલાવી લેવાશે નહીં. માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા જેટલી સામાન્ય બાબતોનું પણ ધ્યાન ન રાખનાર લોકો પાસેથી દંડ વસૂલવો જરૂરી છે.
શહેરી વિસ્તારમાં આસપાસના ગામમાંથી આવતા લોકો પણ માસ્ક વગર પ્રવેશ ન કરે તે માટે શહેરમાં પ્રવેશવાના માર્ગો પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરવામાં આવશે.
બજારમાં અને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવે તે માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. પેસેન્જર વ્હિકલમાં નિયમ મુજબના જ પેસેન્જર માસ્ક પહેરીને બેસે તે માટે વિવિધ ટીમો દ્વારા સતત નજર રાખવામાં આવશે. જો કોઈ મુસાફર માસ્ક વગર માલૂમ પડશે તો જે તે ખાનગી વાહનના ડ્રાયવર પાસેથી દંડ વસૂલવામાં આવશે
શહેરી વિસ્તારોની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વિવિધ ટીમો બનાવી માસ્ક ન પહેરનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૨૦૦/-નો દંડ તથા જાહેરમાં થુંકનાર વ્યક્તિઓ પાસેથી રૂ.૨૦૦/-નો દંડ વસૂલ કરવામાં આવશે. આરોગ્ય વિભાગ, નગરપાલિકા કે ગ્રામ પંચાયત અને પોલીસ વિભાગના સંકલનથી સમગ્ર જિલ્લામાં જાહેર કરેલ કન્ટેઈનમેન્ટ વિસ્તારોમાં માર્ગદર્શિકા મુજબ નિયમોની અમલવારી વધુ સઘન બનાવવામાં આવશે.
જે વિસ્તારોમાં શરદી, ઉધરસ કે તાવના કેસોની સંખ્યા વધી રહી છે તેવા વિસ્તારોમાં ધન્વંતરી આરોગ્ય રથની ટીમ દ્વારા સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. પ્રાથમિક તબક્કે જ નિદાન થવાથી વધુ ઝડપી સારવારના પરિણામે સંક્રમણને આગળ વધતું અટકાવી શકાશે.
જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, તમામ નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ, તમામ ચીફ ઑફિસરશ્રીઓ સાથે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રીએ આ એક્શન પ્લાનની ત્વરીત અમલવારી કરી નિયમોનો ભંગ કરનાર લોકો સામે દંડાત્મક પગલા લેવા સુચના આપી હતી.