Western Times News

Gujarati News

અરવલ્લીવાસીઓને ૧૪ ધન્વંતરી આરોગ્ય રથ થકી ઘરઆંગણે આરોગ્ય સેવાઓ મળશે

જિલ્લાના ભિલોડા અને મેઘરજના અંતરિયાળ વિસ્તારના લોકોને પ્રાથમિક આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે

ભિલોડા: અરવલ્લી જિલ્લામાં કોરોના વાયરસનો વ્યાપ વધતા શહેર અને ગ્રામ્ય વિસ્તાર તેના સંક્રમણની અસરમાં આવ્યા છે. ત્યારે જિલ્લ્લાના અંતરીયાળ વિસ્તારના લોકોને જિલ્લાના મુખ્યમથક સુધી આરોગ્ય સેવા લેવા આવવું ન પડે અને ઘર આંગણે જ પ્રાથમિક સારવાર મળી રહે તે માટે જિલ્લામાં ૧૪ આરોગ્ય ધન્વંતરી રથ કાર્યરત કરાતા આરોગ્ય સેવાઓ મેળવવી સરળ બનશે.
જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકોને જરૂરી આરોગ્ય સેવાઓ સ્થળ પર જ ઉપલબ્ધ થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ધન્વંતરી આરોગ્ય રથ શરૂ કરવામાં આવ્યા છે જેમાં બે આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ સાથે જિલ્લામાં ૧૪ આરોગ્ય રથ કાર્યરત કરવામાં આવ્યા છે.

અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડાના આદિજાતિના છેવાડાના વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ ઘર આંગણે જ ઉપલબ્ધ કરાવવામાં આવતા તેમને જિલ્લાના મુખ્ય મથક સુધી હવે લાંબા થવુ પડશે નહિ. કાર્યરત કરાયેલા આરોગ્ય ધન્વંતરી રથમાં આર.બી.એસ.કે. ટીમ, એક સ્ત્રી અને એક પુરૂષ આયુષ મેડિકલ ઑફિસર અને પેરા મેડિકલ સ્ટાફની ટીમ દ્વારા તાવ, શરદી, ઝાડા, ડાયાબિટીસ, બ્લડપ્રેશરઅને ચામડીના રોગોના નિદાન કરી સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવશે. આ ઉપરાંત ધન્વંતરી આરોગ્ય રથમાં ટેમ્પ્રેચર ગન, સ્ટેથોસ્કોપ, પલ્સ ઓક્સિમીટર સહિતના સાધનોની સાથે સાથે જરૂરી દવાઓ તથા ઈમ્યુનિટી બુસ્ટઅપ માટેની હોમિયોપેથિક દવાઓ અને આયુર્વેદિક ઉકાળા પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

જિલ્લામાં કોરોનાનો વ્યાપ જોતા જે અસરગ્રસ્ત વિસ્તારના લોકોમાં કોરોના વાયરસના સંક્રમણના લક્ષણો જણાય તો તુરંત જરૂરી સારવાર શરૂ કરાય અને સંક્રમણને આગળ વધતું રોકી શકાય તે માટે જિલ્લાના મોડાસામાં ૪, ભિલોડામાં ૩, માલપુરમાં ૨, મેઘરજમાં ૨, બાયડમાં ૨ અને ધનસુરામાં ૧ મળી કુલ ૧૪ રથ કાર્યરત કરતા જિલ્લાના નાગરીકોની આરોગ્યની સુખાકારીમાં વધારો થશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.