ભરૂચમાં બિલ્ડરની લાપરવાહીના કારણે રહીશોના વીજ ઉપકરણો ફૂંકાયા : બિલ્ડર સામે આક્રોશ
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: સુરતની તક્ષશિલા એપાર્ટમેન્ટમાં આગની ભયંકર ઘટનામાં ૨૫ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આ એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો ના અભાવના કારણે દુર્ઘટના સર્જાઈ હતી.ત્યાર બાદ નવનિર્માણ પામી રહેલા એપાર્ટમેન્ટો અને સોસાયટીઓમાં ફાયરસેફ્ટી ફરજીયાત હોવું જરૂરી છે.પરંતુ ભરૂચના મકતમપુર વિસ્તારમાં સિદ્ધિવિનાયક મંદિર નજીક નવનિર્માણ પામેલા સહજાનંદ એન્કલેવ એપાર્ટમેન્ટ મા ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે.
તદુપરાંત બિલ્ડરે મકાનોમાં વિજ અથિંગ ન આપ્યું હોવાના કારણે પણ વારંવાર એપાર્ટમેન્ટના વીજવાયરો માં શોર્ટ સર્કિટ થઈ રહ્યા છે અને રહીશોના વીજ ઉપકરણો વારંવાર ફૂંકાયા રહ્યા છે. જોકે વારંવારની રહીશોની બિલ્ડરને રજૂઆત બાદ પણ બિલ્ડરના પેટનું પાણી ન હાલતા આખરે એપાર્ટમેન્ટના રહીશોએ મીડિયાના શરણે આવવાની ફરજ પડી છે.સોમવાર ની સવારે એપાર્ટમેન્ટના ૮ મકાનોમાં વીજવાયરો માં શોર્ટ સર્કિટ થી તણખલા થતા સ્વીચબોર્ડ સહિત પંખા,ટીવી,એલઈડી લાઈટ અને ફ્રીજ સહિતના વીજ ઉપકરણો ફુકાઈ જતા એપાર્ટમેન્ટના રહીશો શોર્ટ સર્કિટના કારણે એપાર્ટમેન્ટ માંથી બહાર નીકળી પોતાનો જીવ બચાવ્યો હતો.
જોકે સ્થાનિકોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ એપાર્ટમેન્ટમાં વીજ અર્થીંગ આપ્યું નથી.જેના કારણે રહીશોના વીજ વાયરો માં શોર્ટ સર્કિટ થી કડાકા-ભડાકા સાથે વીજ ઉપકરણો ફુંકાઈ રહ્યા છે અને આ એપાર્ટમેન્ટ માં આગ લાગે તો પણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર સેફ્ટીના સાધનો પણ લગાવવામાં આવ્યા નથી.
જેથી આ એપાર્ટમેન્ટમાં મોટી હોનારત સર્જાય તો જવાબદાર કોણ.? સવારે અચાનક મકાનોમાં વીજ વાયરો માં તણખલા ના કડાકા-ભડાકા થી એપાર્ટમેન્ટના રહીશો પોતાનો જીવ બચાવી એપાર્ટમેન્ટની બહાર નીકળી ગયા હતા.પરંતુ મકાનના રહીશોના વીજ ઉપકરણો ફુકાઈ ગયા છે.વારંવારની આવી ઘટનાની જાણ બિલ્ડરને કરવા છતાં બિલ્ડર આંખ આડા કાન કરતો હોવાના આક્ષેપ કર્યા હતા.