એલીસબ્રીજમાં વૃધ્ધ સહિત બે વ્યક્તિએ કરેલી આત્મહત્યા
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં આત્મહત્યાની ઘટનાઓ ચોંકાવનારી રીતે વધી રહી છે શહેરના એલીસબ્રીજ વિસ્તારમાં એક વૃધ્ધ અને આધેડે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસ અધિકારીઓ ચોંકી ઉઠયા છે પોલીસે અલગ અલગ આ બંને બનાવોમાં વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે એલીસબ્રીજ વિસ્તારમાં આવેલા ડો.આંબેડકર કોલોનીમાં રહેતા ભીખાભાઈ મુળજીભાઈ નામના ૬પ વર્ષના વૃધ્ધ છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે અસ્વસ્થ જણાતા હતા પરેશાનીના કારણે ભીખાભાઈએ બે દિવસ પહેલા જ પોતાના ઘરમાં પ્લાસ્ટીકની દોરી બાંધીને ગળેફાંસો ખાઈ લીધો હતો
વહેલી સવારે પરિવારજનોએ તેમનો મૃતદેહ લટકતી હાલતમાં જાતા જ ભારે બુમાબુમ કરી મુકી હતી જેના પરિણામે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ અંગે એલીસબ્રીજ પોલીસને જાણ કરતા પોલીસ અધિકારીઓ પણ આવી પહોંચ્યા હતાં પોલીસે ભીખાભાઈના મૃતદેહને નીચે ઉતારી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આત્મહત્યાનું કારણ જાણવા સમગ્ર ઘટનાની તપાસ કરતા મદદનીશ સબ ઈન્સ્પેકટર હિરાભાઈએ પરિવારજનોની પુછપરછ કરી હતી પરંતુ હજુ સુધી આત્મહત્યાનું કારણ જાણવા મળ્યું નથી.
આત્મહત્યાનો અન્ય બનાવ એલીસબ્રીજ વિસ્તારમાં આંબેડકર કોલોનીમાં બન્યો હતો ચોંકાવનારી બાબત એ છે કે ભીખાભાઈની આત્મહત્યાની ઘટનાની સાથે સાથે આજ ચાલીમાં રહેતા ભાનુભાઈ પુરી નામના પ૦ વર્ષના આધેડે પણ આત્મહત્યા કરી લીધી હતી
આ અંગેની વિગત એવી છે કે એલીસબ્રીજ વિસ્તારમાં આવેલી ડો.આંબેડકર કોલોની આંબાવાડી ખાતે રહેતા ભાનુભાઈ ચુનીલાલ પુરી નામના આધેડે પોતાના ઘરમાં પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો સવારે ૧૦.૦૦ વાગ્યે પરિવારજનોએ તેમનો મૃતદેહ લટકતી હાલતમાં જાયો હતો જેના પગલે પોલીસને જાણ કરતા પોલીસે તાત્કાલિક સ્થળ પર આવી પહોંચી ભાનુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. એલીસબ્રીજ પોલીસે આ બંને બનાવમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.