લોભામણી જાહેરાતો આપી નાગરિકો સાથે લાખોની છેતરપીંડી
(પ્રતિનિધિ) અમદાવાદ : અમદાવાદ શહેરમાં છેતરપીંડીની ફરિયાદો વધવા લાગતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ખાસ કરીને ઓનલાઈન થતી છેતરપીંડીની ફરિયાદમાં તાત્કાલિક તપાસ કરી આરોપીઓની સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે આ પરિસ્થિતિ વચ્ચે શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં છેતરપીંડીની એક ચોંકાવનારી ફરિયાદ નોંધાઈ છે જેમાં કંપનીની સંવેદનશીલ માહિતીનો દુરૂપયોગ કરી કંપની તથા ગ્રાહકો સાથે એક શખ્સે છેતરપીંડી આચરી છે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી સમગ્ર કેસની તપાસ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સબ ઈન્સ્પેકટરને સોંપવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરના બોપલ વિસ્તારમાં એસ.પી. રીંગ રોડ પર આવેલ એપલવુડ ટાઉનશીપની પાછળ નંદનબાગ બંગ્લોઝમાં રહેતા સમીરભાઈ જાસેફની ઓફિસ વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે આમ્રપાલી લેકની એ વિંગમાં આવેલી છે મહેન્દ્ર હોલીડેઝ અને એન્ડ રિસોર્ડ કંપનીની આ ઓફિસ છે અને સમીરભાઈ જાસેફ આ સમગ્ર ઓફિસનું સંચાલન કરે છે છેલ્લા કેટલાક સમયથી તેમની ઓફિસમાં કેટલાક ગ્રાહકો આવતા હતા અને આ ગ્રાહકોએ કંપનીના જ કોઈ એજન્ટ મારફતે રૂપિયા ભરી ટુર પેકેજ બુક કર્યાં હોવાનું જણાવતા હતા જેના પરિણામે સમીરભાઈને શંકા જતા તપાસ શરૂ કરાવી હતી
જેમાં ડ્રાઈવીંગ રોડ પર આવેલી સનરાઈઝ પાર્ક સોસાયટીમાં રહેતા જયકુમાર દુધાત નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી કંપનીનો કર્મચારી હોવાનું કહી સામાન્ય નાગરિકોને લોભામણી જાહેરાતો આપી તેમની પાસેથી રૂપિયા પડાવતો હોવાનું માલુમ પડયું હતું આ માહિતી મળતા જ સમીરભાઈ ચોંકી ઉઠયા હતા અને તેમણે તાત્કાલિક આ અંગે જયકુમાર દુધાત વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પ્રાથમિક તપાસમાં સામાન્ય નાગરિકો પાસેથી રૂ.૪ લાખની છેતરપીંડી કરી છે જાકે આ આંકડો વધવાની શક્યતા છે. વસ્ત્રાપુર પોલીસે પણ આ અંગે ગુનો દાખલ કરી સમગ્ર ઘટનાની તપાસ પોલીસ સબ ઈન્સ્પેકટર એન.આર. ભરવાડને સોંપી છે.