ઇસનપુરની પ્રેરણા સોસાયટીમાં એક જ પરિવારના 7 સભ્યો કોરોના પોઝીટીવ
અમદાવાદ ( દેવેન્દ્ર શાહ), ગુજરાતમાં કોરોના વાઈરસનો કહેર દિન-પ્રતિદિન સતત વધી રહ્યો છે. જો કે અમદાવાદમાં છેલ્લા થોડા દિવસોથી કોરોનાના કેસો ઘટી રહ્યાં છે, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા સોમવારે વધુ 17 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા શરૂ કરવામાં આવેલા એન્ટીજન ટેસ્ટમાં કોન્ટેક્ટ ટ્રેસીંગ પણ થઈ રહ્યા હોવાથી એકજ પરિવાર કે સોસાયટીના સભ્યો પોઝિટિવ હોય તેવા કિસ્સા વધી રહ્યા છે. શહેરના CTM વિસ્તારના એક ફ્લેટમાંથી ૧૦ કોરોના પોઝિટિવ કેસ આવ્યા બાદ સોમવારે ઇસનપુર વિસ્તારની એક સોસાયટીમાં એક જ પરિવારના સાત સભ્યો પોઝિટિવ આવતા ખળભળાટ મચી ગયો છે.મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા સોસાયટીના 64 મકાનોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
ઇસનપુર- વટવા રોડ પર આવેલી પ્રેરણા સોસાયટી માં એક જ પરિવારના 07 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જયારે સોસયટીમાંથી 12 કરતા વધુ પોઝીટીવ કેસ મળી આવ્યા છે. તેથી સોસાયટીના 64 પરિવારને માઈક્રો કન્ટેનમેન્ટ માં મૂકવામાં આવ્યા છે.પ્રેરણા સોસાયટીની બાજુમાં આવેલી નમ્રતાપાર્ક સોસાયટીમાં પણ પોઝીટીવ કેસ વધી રહ્યા છે. સોમવારે દક્ષિણઝોનમાં 21 પોઝિટિવ કેસ આવ્યા હતા
જે પૈકી ઇસનપુર વોર્ડમાં 16 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં ઇસનપુર અર્બન હેલ્થ સેન્ટરના બે કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. દક્ષિણઝોનમાં સોમવારે કુલ 1800 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે પૈકી 81 સેમ્પલ પોઝીટીવ આવ્યા છે. જેના પગલે ઝોનમાં નવા 06 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જેમાં 130 મકાનોને સીલ કરવામાં આવ્યા છે.
શહેરના નરોડા વિસ્તારમાં આવેલી યમુનાપાર્ક સોસાયટીમાં પણ એક સાથે 15 પોઝીટીવ કેસ મળી આવ્યા હતા જેના કારણે આ સોસાયટીમાં પણ મ્યુનિસિપલ તંત્ર દ્વારા મકાનોને સીલ કરી તમામ સ્થળે નોટિસ લગાવી ટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.શહેરમાં 110 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર અમલમા છે. જેમાં બીજા નવા 17 વિસ્તારોને પણ જાડવામાં આવ્યા છે. આ માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં હેલ્થ વિભાગ દ્વારા હાઉસ ટૂ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવામાં આવશે.
ઇસનપુર વૉર્ડના કોંગી આગેવાન રાજેશ સોનીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે કોરોના પોઝીટીવ ના આંકડા અને વિગતો સમયસર જાહેર કરવામાં આવતા નથી. જે દિવસે પોઝીટીવ કેસ આવ્યા હોય તેના ચાર-પાંચ દિવસ બાદ ટુકડે ટુકડે વિગત જાહેર થાય છે. ઇસનપુરમાં છેલ્લા 06દિવસ દરમ્યાન 55 જેટલા કેસ નોંધાયા છે. પરંતુ તંત્ર ઘ્વારા સમગ્ર દક્ષિણઝોનમાં 06 દિવસમાં 120 કેસ નોંધાયા હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.